Site icon Revoi.in

રાજકોટના લોકમેળામાં ખાણીપીણીના 35 સ્ટોલ પર દરોડા, 78 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં પ્રથમ બે દિવસમાં 2 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી હતી.  બે વર્ષ બાદ યોજાયેલા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 5 દિવસ સુધી ચાલવાનો છે ત્યારે મેળાના ત્રીજા દિવસે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ખાણીપીણીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ 35 સ્ટોલ પર ચેકીંગ હાથ ધરી સ્થળ પર જ 78 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને જરૂરી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

સૂત્રના જણાવ્યા મુજબ શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા લોકમેળામાં મ્યુનિ.કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ખાદ્ય ચિજ-વસ્તુઓ વેચતા સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બે વર્ષ બાદ યોજાયેલા આ લોકમેળામાં કુલ 92 જેટલા ખાણીપીણીના સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટભરમાંથી લોકમેળાની મજા માણવા આવતા લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે દરોડા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ફૂડ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મ્યુનિની આરોગ્ય શાખા દ્વારા  લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ગતરાતે  પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું જન્માષ્ટમીના દિને સવારે પણ ચેકીંગ કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે ઢોકળા, ખમણ, પાન, પાનના માવા મસાલા જેવી વસ્તુ ઉપરાંત પેકેટની એક્સપાયરી ડેઇટ તેમજ તેલવાળી વસ્તુમાં તેલનું TPC કેલ્ક્યુલેટ કરી 92 પૈકી 35 સ્ટોલ ચેક કરી 78 કિલો અખાદ્ય ચીજવસ્તુનો નાસ કરી 13 વેપારીઓને અનહાયજેનિક કન્ડિશન અંગે નોટિસ ફટકારવામાં આવી હતી.

રાજકોટમાં સાતમ-આઠમના મેળામાં લોકો મજા માણવા માટે આતુર હોય છે અને આ વર્ષે બે વર્ષ બાદ મેળો આવતા લોકો મેળાને મન મૂકી મજા માણી રહ્યા છે. ત્યારે કેટલાક વેપારીઓ પોતાના રૂપિયાના નફાને લઇ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. હાલ તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 13 જેટલા વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે પરંતુ આગળ પણ તેઓ વાસી કે અખાદ્ય ચીજ વસ્તુનું વેચાણ કરશે તો તેમના સ્ટોલને સીલ કરવાની પણ તૈયારી મનપા દ્વારા દાખવવામાં આવી છે.