અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ ઊજવાયો હતો. દીક્ષા દાનેશ્વરી પૂ. યોગતિલકસૂરીજી મ. આદિ 400થી વધુ શ્રમણ-શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં સોમવારે શહેરના ઇતિહાસમાં પ્રથમવાર 35 મુમુક્ષુઓએ પ્રવ્રજયા ગ્રહણ કરીને પ્રભુ વીરના પંથેચરણ મૂકયા છે. રીવરફ્રન્ટ પર સવારે 5.31 કલાકે પૂજયો અને મુમુક્ષુઓનો મંડપ પ્રવેશ ત્યારબાદ વિજય તિલક, સવારે 7.02 કલાકે વીરના વારસ વીરની વાટે રજોહરણ પ્રદાન કરાયા બાદ સવારે 9.ર7 કલાકે કેશલુંચન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ શુભ ચોઘડીયે પૂજય ગુરૂ ભગવંતે 35 મુમુક્ષુઓને પ્રવ્રજયા અંગીકાર કરી હતી.
શહેરના રિવરફ્રન્ટ પર 5 દિવસીય દીક્ષા મહોત્સવના સોમવારે પાંચમાં દિવસે એક સાથે 35 દીક્ષાર્થીએ દીક્ષા લીધી હતી. આ 35 મુમુક્ષુમાં 10 મુમુક્ષુ તો 18 વર્ષથી નીચેના છે. કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવતા ભાવેશભાઇ ભંડારી અને તેમના પત્નીએ સંસારની મોહ-માયા ત્યાગીને દીક્ષા લીધી હતી. તમામ 35 મુમુક્ષુને આચાર્ય ભગવંત દ્વારા રજોહરણ અર્પણ કર્યું ત્યારે તમામ મુમુક્ષુના ચહેરા પર હરખની હેલી જોવા મળી હતી. દરેક મુમુક્ષુ રજોહરણ પ્રાપ્ત કરીને ઉત્સાહભેર નૃત્ય કરી રહ્યા હતા. દીક્ષાર્થીઓ દીક્ષા લઈને તેમના ગુરુ ભગવાન પાસેથી આશીર્વાદ મેળવીને પ્રદક્ષિણા કરી હતી. તમામ સાધુએ મુમુક્ષુને અક્ષતથી વધાવ્યાં હતાં. તમામ નૂતન દીક્ષાર્થીએ સાધુ અને સાધ્વી ભગવંતોના આશીર્વાદ લીધા હતા, ત્યારબાદ તેમના સયંમી નામકરણ થશે. તમામ 35 દીક્ષાર્થીની વડી દીક્ષા સમારોહ આગામી 9 જૂન, 2024ના રોજ જેઠ સુદ ત્રીજના દિવસે અમદાવાદમાં યોજાશે.
શહેરમાં રવિવારે 35 મુમુક્ષુની ભવ્ય 7 કિલોમીટરની રથયાત્રા યોજાઈ હતી. 5 દિવસીય દીક્ષા મહોત્સવના ચોથા દિવસે મુમુક્ષુઓની શહેરના માર્ગો ઉપર ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. જેમાં દીક્ષા લેનાર 35 મુમુક્ષુ મોહમાયા મૂકીને દીક્ષા લેતા પહેલાં અંતિમ વાર શણગાર સજ્યો હતો. 35 મુમુક્ષુ સહિત તેમનાં પરિવારજનો અને 400થી વધુ સાધુ-સાધ્વીઓ ભવ્ય રથયાત્રામાં જોડાયાં હતાં. શહેરના રાજમાર્ગ પર આ રથયાત્રામાં બેન્ડવાજાં, હાથી, ઘોડા સહિત કેરળ-પંજાબી નૃત્યનું શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.