અમદાવાદમાં સ્ટ્રોમ વોટર લાઈનમાંથી વધુ 35 જોડાણો કપાયાં, પ્રદૂષિત પાણી નદીમાં ઠલવાતું હતું
અમદાવાદઃ શહેરની સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ઠલવાતુ હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ તેમજ હાઈકોર્ટે મ્યુનિ.ની ઝાટકણી કાઢ્યા બાદ શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનમાં ગેરકાયદે જોડાયેલા કનેક્શનો શોધવા મ્યુનિ, કોર્પોરેશનના ઈજનેરી વિભાગે ઝૂંબેશ હાથ ધરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ ફેકટરીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટ્રોર્મ વોટરલાઇનમાં ગેરકાયદેસર કનેક્શન કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર કનેકશન અને કેમિકલ પાણી ગટરમાં આવતા નદી પ્રદુષિત થઈ હતી. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગની જુદી જુદી 16 ટેકનિકલ ટીમો બનાવવામાં આવી છે. સોમવારે પૂર્વ અને દક્ષિણ ઝોનમાં કુલ 35 જેટલા સીવર/સ્ટ્રોર્મ વોટર લાઈનમાં આવતા ઇન્ડસ્ટ્રીયલ કનેકશનો કાપવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનના ઈજનેર ખાતા દ્વારા પૂર્વ ઝોનનાં અમરાઈવાડી, ઓઢવ અને વિરાટનગર વિસ્તારના ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાંથી કુલ 144 યુનિટના 7 ઇન્ડસ્ટ્રીયલ કનેકશન દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં કુલ 46 જેટલા અધિકારીની દેખરેખ હેઠળ કુલ 29 લેબર, 4 જે.સી.બી. મશીન, 3 ટ્રેકટર ટ્રોલી, 5 છોટા હાથી જેવા મશીનરી અને વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ઝોનનાં બહેરામપુરા વોર્ડના ફૈઝલનગર તથા બેરલ માર્કેટ વિસ્તારમાં એસ.આર.પી.ની 3 ટીમના ચુસ્ત બંદોબસ્ત હેઠળ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 40 જેટલા અધિકારીઓની દેખરેખ હેઠળ કુલ 34 યુનિટના 28 ઇન્ડસ્ટ્રીયલ કનેકશન દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડ્રાઈવની કામગીરીમાં કુલ 25 લેબર, 3 જે.સી.બી. મશીન, 2 ટ્રેકટર ટ્રોલી અને છોટા હાથી જેવા મશીનરી અને વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ ઝોનમાં આ પ્રકારના કેમિકલ માફિયાઓ સામે અને ગેરકાયદે જોડાણ કરનાર એકમોના ઈન્ડસ્ટ્રીઅલ કનેકશન દુર કરી તેઓ સામે આકરા પગલા લેવાની સઘન ડ્રાઈવ પુરજોશમાં કાર્યરત રહેશે. તેમજ આ પ્રકારની કોઈપણ ગેરરીતિઓ ચલાવી લેવામાં આવશે નહીં.