Site icon Revoi.in

અમદાવાદમાં વરસાદને લીધે 350 રોડ તૂટ્યા, 1582 ખાડાઓ પુરવા 6 કરોડથી વધુ ખર્ચાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં વરસાદને લીધે અનેક રોડ-રસ્તાઓ પર મોટા ખાડાં પડી ગયા છે.શહેરમાં 90 કિમીની લંબાઇના 350 રોડ તૂટી ગયા છે, તેના રિપેરિંગ પાછળ અત્યાર સુધીમાં મ્યુનિ.એ રૂ. 6.27 કરોડનું આંધણ કર્યું છે. સૌથી વધારે રોડ પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં તૂટ્યા છે. શહેરના રોડ પર અત્યાર સુધી પડેલા 16056 ખાડામાંથી 15842 ખાડા પૂર્યા હોવાનો મ્યુનિ.એ દાવો કર્યો છે. હજુ 214 ખાડા પુરવાના બાકી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સામાન્ય વરસાદમાં જ 350 રોડ તૂટી જતાં તેમજ અનેક રોડ નાના મોટા અસંખ્ય ખાડા પડી જતાં સ્થિતિની સમીક્ષા માટે મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેન મહાદેવ દેસાઇએ મ્યુનિ.ના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં હાજર તમામ અધિકારીઓ પાસેથી તેમણે શહેરના કેટલા રોડ તૂટ્યા તેની વિગતો મેળવી હતી. જોકે છેલ્લા 3 વર્ષમાં નવા બનેલા એક પણ રોડ તૂટ્યા નહીં હોવાની ખાતરી અધિકારીઓએ પદાધિકારીઓને આપી હતી. આ રોડ ખાડા પુરવા માટે જ મ્યુનિ.એ 20880 મેટ્રિક ટન જેટલો હોટ મીક્સનો ઉપયોગ કરવો પડ્યો છે. શહેરમાં તૂટેલા તમામ રોડ રિપેર કરવા તેમજ ખાડા તાત્કાલિક પૂરી દેવા માટે અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે, વરસાદ બંધ થતાં જ તત્કાલ ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવે. એટલું જ નહીં નવરાત્રિ સુધીમાં શહેરના રોડ ફરીથી યોગ્ય કરી દેવામાં માટે સૂચના આપવામાં આવી છે. દશેરા પછી શહેરના મોટાભાગના રોડ પર રિસરફેસિંગની કામગીરી હાથ ધરવાની પણ સૂચના આપવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં દર ચોમાસામાં રોડ-રસ્તાઓની હાલત બદતર બની જાય છે.શહેરમાં હાલ મોટાભાગના રસ્તાઓ ડામરના બની રહ્યા છે. તેને બદલે જો આરસીસીના બને તો તેનું ટકાઉપણું ડામરના રસ્તા કરતાં અનેક ગણું વધારે હોય છે. તેમજ વરસાદમાં પણ તેને નુકશાન થવાની શક્યતા ઓછી હોય છે. જો ડામરનો રસ્તો સંપૂર્ણપણે તોડીને ફરીથી આરસીસી રસ્તો બનવાવાનો થાય તો થોડો ખર્ચ વધી શકે છે. દિવાળી સુધીમાં તમામ ઝોનમાં નવા રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદ પૂર્ણ થતાં જ આ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આ‌વશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, 2022ની ચૂંટણીને ધ્યાનમાં લઇને મ્યુનિ.એ અલગ અલગ ઝોનમાં રોડ બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં 225 કિમીના રોડ નવેસરથી બનાવવા પાછળ 225 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. શહેરમાં અનેક રોડ પર ખાડા પડી ગયા છે. ત્યારે એક ચો.મી. બાય એક ચો.મી.નો ખાડો જો હોટમીક્સથી પૂરવાનો હોય તો તેની પાછળ મ્યુનિ.ને રૂ.800 જેટલો ખર્ચ થતો હોય છે. નોંધનીય છેકે, રોડ પર પડેલા ખાડા પુરવામાં પણ જો મોટો ખાડો હોય તો તેમાં વધારે માલ વપરાતો હોય છે. જો કે મ્યુનિ. દ્વારા આપવામાં આવતા હોટમીક્સથી આ ખાડા પુરવામાં આ‌વે છે. ચાલુ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં 95844 મેટ્રિક ટન જેટલો હોટ મિક્સને ઉપયોગ થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં મસમોટ ખાડા જોવા મળી રહ્યા છે.