Site icon Revoi.in

અમદાવાદની 17 બેન્કોમાં 14.31 લાખની 3574 ફેક નોટો કોઈ પધરાવી ગયું, SOGએ તપાસ હાથ ધરી

Social Share

અમદાવાદઃ શહેરમાં પોલીસે તાજેતરમાં ચલણી ફેક નોટોનું કૌભાંડ પકડી પાડ્યું હતું. શહેરમાં અવાર-નવાર ફેક નોટો પકડાતી હોય છે. ઘણા ભેજાબાજો બેન્કોને પણ ફેક નોટો પધરાવી દેતા હોય છે. અથવા તો કોઈ ગ્રાહક પાસે ફેક નોટ આવી ગઈ હોય તેને ખબર પણ હોય અને બેન્કમાં જમા કરાવી દેતા હોય છે. નોટોના બંડલમાં વચ્ચે એક-બે ફેક નોટો આવી જતા બેન્કના કેશિયરને પણ તેની જાણ થતી નથી. એસઓજીની ટીમે અમદાવાદની અલગ અલગ 17 બેન્કમાં તપાસ કરી 14.31 લાખની નકલી ચલણી નોટો પકડી પાડી હતી. આ નોટો જપ્ત કરી અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એસઓજીની ટીમને 17 બેન્કમાંથી 2000, 500, 100, 200, 50, 20, 10ના દરની કુલ 3574 નકલી નોટો મળી આવી હતી. જેની કુલ રકમ 14.31 લાખ રૂપિયા થાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં જુદી જુદી ખાનગી અને સરકારી બેન્કોમાં ફેક નોટો આવી જતી હોય છે. પોલીસે 17 બેન્કમાં તપાસ કરી 14.31 લાખની નકલી ચલણી નોટો પકડી પાડી હતી. જેમાં એક્સિસ બેન્કમાંથી 738, એચડીએફસીમાંથી 856, આઈસીઆઈસીઆઇમાંથી 1252, કોટક મહિન્દ્રામાંથી 384, બેન્ક ઓફ બરોડામાંથી 96, ડીસીબીમાંથી 17, સારસ્વતમાંથી 4, એયુ સ્મોલમાંથી 19, કાલુપુર કો.ઓ.બેન્કમાંથી 31, યસ બેન્કમાંથી 17, આડીબીઆઇમાંથી 80, અભ્યુદમાંથી 3, ગુજરાત સ્ટેટ કો.ઓ.માંથી 4, આઇડીએફસી ફર્સ્ટમાંથી 18, અને એસબીઆઇમાંથી 8  ફેક નોટ મળી આવી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એસઓજીની ટીમે નકલી નોટોની તપાસ કરી ત્યારે કેટલીક નોટો ફાટેલી, પટ્ટીવાળી તથા કાગળ ચોંટાડેલી, ધોવાઈ ગયેલી ચિલ્ડ્રન નોટો હતી.100, 50, 20 અને 10ની નવી નોટોના સિરિયલ નંબર સામે અંગ્રેજીમાં એન તથા જૂની નોટો સામે અંગ્રેજીમાં ઓ દર્શાવેલા હતા.