- M S યુનિવર્સિટીના અંધેર વહિવટનો નમુનો,
- 25000 માર્કશીટ પ્રિન્ટ થઈને પડી છે, પણ વેરિફિકેશન કરાયુ નથી,
- હોબાળો થયા બાદ કૂલપતિએ તમામ ડીનને આપી સુચના
વડોદરાઃ શહેરની એમ.એસ. યુનિવર્સિટીના અંધેર વહિવટનો નમુનો પ્રકાશમાં આવ્યો છે. યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓમાં યુજી-પીજી પાસ કરી ચૂકેલા 36 હજાર વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણ વર્ષથી માર્કશીટ આપવામાં આવી નથી. 25 હજાર માર્કશીટ પ્રિન્ટ થઇને પડી છે, જેનું વેરિફિકેશન કરાયું નથી. જ્યારે 10 હજાર માર્કશીટ હજુ પ્રિન્ટ કરવાની જ બાકી હોવાનું કહેવાય છે. વિદ્યાર્થી સંગઠનોની રજુઆત બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ એક સપ્તાહમાં આપવા વીસીએ તમામ ફેકલ્ટી ડીનોને આદેશ કર્યો છે.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની 14 ફેકલ્ટીના વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવી નથી. આ અંગેનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ યુનિવર્સિટી સત્તાધીશો દોડતા થયા હતા અને તાત્કાલિક તમામ ડીનની બેઠક બોલાવી હતી. જેમાં ચોંકાવવનારી માહિતી બહાર આવી હતી. માત્ર પીજી અને યુજીના છેલ્લા વર્ષના જ નહિ, પરંતુ તમામ વર્ષોના વિદ્યાર્થીઓની માર્કશીટ આપવામાં આવી નથી. મળતી માહિતી પ્રમાણે 36 હજાર જેટલી માર્કશીટ હજુ પણ આપવાની બાકી છે. જેમાં 25 હજાર જેટલી માર્કશીટ કમ્પ્યૂટર વિભાગમાં પ્રિન્ટ થઈને પડી રહી છે, પરંતુ તેનું વેરિફિકેશન કરાયું નથી. જેને કારણે વિદ્યાર્થીઓને માર્કશીટ મળી શકી નથી. આ ઉપરાંત 10 હજાર જેટલી માર્કશીટ તો એવી છે કે, જેનું પ્રિન્ટિંગ જ કરવાનું બાકી છે. વીસી દ્વારા તમામ ડીનની બેઠક બોલાવાઈ હતી અને વિદ્યાર્થીઓને એક સપ્તાહમાં જ તમામ માર્કશીટ આપી દેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ યુજી-પીજી પાસ કરી ચૂકેલા 10 હજાર વિદ્યાર્થીઓને હજુ સુધી માર્કશીટ મળી નથી. જેને પગલે અન્ય યુનિવર્સિટી કે પછી વિદેશમાં એપ્લાય કરનારા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેવી જ રીતે એફવાય, એસવાય અને ટીવાયના વિદ્યાર્થીઓની પણ માર્કશીટ આપી ન હોવાથી તેઓ પણ અટવાયા છે. માર્કશીટ નહિ મળવાના કારણે વધુ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓના વિઝા અટકી ગયા છે. વિદ્યાર્થીઓને માર્કશીટ મળી ન હોવાને કારણે તેઓ વિદેશની કોલેજમાં જમા કરાવી શકતા નથી. જેથી વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ અર્થે જઇ શકે તેવી સ્થિતિ નથી. રાજ્ય સરકારે યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ કરીને તેની સ્વાયતત્તા ખતમ કરી નાખી છે, જેને કારણે એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે, વિદ્યાર્થીઓનું કોઇ સાંભળવા વાળું રહ્યું નથી. માર્કશીટ જેવી મહત્ત્વની વસ્તુ પણ વિદ્યાર્થીઓને મળી રહી નથી.