અમદાવાદઃ સુરતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ-શિક્ષકો તથા અન્ય સ્ટાફ સુપર સ્પ્રેડર સાબિત થઈ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. સુરતમાં એક સાથે 37 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં શૈક્ષણિક સંસ્થાના સંચાલકોને સરકારની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં વિદ્યાર્થીઓમાં વધુ સંક્રમણ ફેલાતા કોલેજોમાં કોરોના ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે,. સુરતમાં 38 કોલેજમાં કોરોનાનું ટેસ્ટિંગ હાથ ધરાવમાં આવ્યું હતું કોરોના ટેસ્ટિંગ દરમિયાન 38 કોલેજમાં 37 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. વિદ્યાર્થીઓમાં સતત વધી રહેલા સંક્રમણના પગલે શિક્ષણ અધિકારીએ બેઠક બોલાવી હતી અને કોરોનાના ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવા માટે આદેશ આપ્યા છે. બેઠકમાં જણાવાયું કે, SOP નું પાલન નહીં કરનાર શાળા કોલેજ બંધ કરવામાં આવશે. કોલેજ અને સ્કૂલમાં કોરોનાનું સંક્રમણ વધતા કોલેજની કેન્ટીન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતમાં 24 કલાકમાં કોરોનાના 262 કેસ નોંધાયા છે. જેનાથી સંક્રમિતોની સંખ્યા 56,096 સુધી પહોચી છે. તો છેલ્લા 24 કલાકમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં મૃત્યુઆંક 1140 પર પહોંચ્યો છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 1328 સુધી પહોંચી છે. સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ કોવિડ હોસ્પિટમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં સઘન સર્વે અને ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.