જૂનાગઢના પ્રેમપરા અને રામપરા નજીકનો 38.23 હેક્ટર વિસ્તાર અભયારણ્ય તરીકે જાહેર કરાશે
જુનાગઢઃ ગીરના જંગલમાં વનરાજોની વસતી વધતા જાય છે. એટલે સિંહ રેવન્યુ વિસ્તારમાં આવી જતાં હોય છે. ગીર જંગલ નજીક સરકારી રેવન્યુ લેન્ડને અભ્યારણ્ય જાહેર કરવાની વિચારણા ચાલી રહી છે. જેમાં જુનાગઢ નજીક આવેલા પ્રેમપરા, જાવલડી, રામપરાના 38.23 હેક્ટર વિસ્તારને અભ્યારણ્ય તરીકે જાહેર કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં લેવાશે. આ માટે મુખ્યમંત્રી કક્ષાએથી મંજૂરી આવી ગઈ છે. હવે ઔપચારિકતાના ભાગરૂપે જૂનાગઢ કલેકટર દ્વારા તેનું જાહેરનામુ પ્રસિધ્ધ થશે. આ વિસ્તાર ગામતળ હેઠળ આવે છે પરંતુ વન વિભાગે 7 ફેબ્રુઆરી, 2002થી તેને સંરક્ષિત વન વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. હાલ ત્યાં કોઈ માનવ વસાહત નથી . આથી આ વિસ્તારને વન વિભાગ ગીર અભયારણ્ય સાથે પ્રેમપરા અભયારણ્ય તરીકે જાહેર કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢ નજીકના પ્રેમપરા, જાવલડી, રામપરાના 38.23 હેક્ટર વિસ્તારને અભ્યારણ્ય તરીકે જાહેર કરાશે. હાલ ગુજરાત સરકારના રેકોર્ડ મુજબ આ વિસ્તાર મહેસૂલી વિસ્તાર તરીકે નોંધમાં છે. અભયારણ્યમાં જે જમીન સમાવવાની છે ત્યાંથી પ્રેમપરાનું અંતર 5.2 કિ.મી , જ્યારે જાવલડી ગામ 1.5. કિ.મી, અને રામપરા ગામ 2.7 કિ.મી. દૂર છે. આ વિસ્તારની જમીનનો રાજ્ય સરકારે વર્ષ 1998થી કબ્જો લઇ લીધો હતો. આથી ત્યાં કોઇ માનવ વસાહત ન હતી. કે ખેતી થતી ન હતી. આ પછી વિસ્તાર ગીર અભયારણ્યને એકદમ અડીને આવેલો હોવાથી ત્યાં સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓની અવરજવર થતી રહે છે. આ કિસ્સામાં વન્ય જીવો અને માનવીય વસતી વચ્ચે અથડામણો શક્ય હોવાથી આવા સંવેદનશીલ મુદ્દાનો હલ કાઢવા તેને અભયારણ્ય જાહેર કરી દેવાનું મુનાસીબ માનવામાં આવ્યું છે. જોકે અભયારણ્ય જાહેર કરાય તો તેની આસપાસનો અમુક વિસ્તાર સેન્સિટિવ ઝોનમાં આવી શકે અને અમુક પ્રવૃત્તિ પર પ્રતિબંધ લદાઈ શકે છે. આ બાબતે સરકારને લોકોને વિશ્વાસમાં લેવાના રહેશે.