અમદાવાદઃ શહેરના એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરનો સૌથી લાંબો 4.18 કિ.મીનો એલિવેટેડ કોરિડોર આવતીકાલથી ખૂલ્લો મુકવામાં આવશે. સરખેજથી ગાંધીનગર સુધી જવા માટે હવે વાહન ચાલકોને માત્ર 25 મીનિટનો જ સમય લાગશે. આ હાઈવે પર સૌથી લાંબો 4.18 કિ.મી લાંબો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવ્યો છે. ગોતા ફ્લાયઓવરથી સોલા સાયન્સ સિટી બોક્સ સુધીના “સિક્સ લેનના એલિવેટેડ કોરિડોર”નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે તા.1 નવેમ્બરે લોકાર્પણ કરશે. અમિત શાહે સરખેજથી લઈને ચીલોડા સુધી બનેલા 7 ફ્લાઈ ઓવરબ્રિજમાંથી અત્યાર સુધીમાં 3 ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના માર્ગ-મકાન વિભાગ અને કેન્દ્ર સરકારનાં પરિવહન રાજમાર્ગ મંત્રાલય દ્વારા નિર્માણ થયેલા સરખેજ-ગાંધીનગર ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામનો શિલાન્યાસ 24 સપ્ટેમ્બર 2018માં કરાયો છે. વર્ષ 2016માં સરખેજ ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવર બ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. 867 કરોડના બજેટની 6 ફ્લાય-ઓવર માટે ફાળવણી થઈ હતી. 44.2 કિલોમીટરના આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલ 7 ફલાયઓવર, 1 એલિવેટેડ કોરીડોર, 1 અંડરપાસ, 2 રેલવે ઓવરબ્રિજ, વગેરેનો સમાવેશ થાય છે. માત્ર 36 મહિનાના સમયગાળામાં એસજી હાઈવે પર સાત ઓવરબ્રિજમાંથી કુલ 6 ઓવરબ્રિજ અને બે રેલવે ઓવરબ્રિજ ધમધમતા થઈ ગયાં છે.
અમદાવાદ-ગાંધીનગરને જોડવા એસજી હાઈવે પર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. 7 પૈકી 6 ફલાઇ-ઓવર હવે ધમધમતા થઈ ગયા છે. જેથી અમદાવાદથી ગાંધીનગર સુધીનો જવાનો સમય 45 મિનિટથી ઓછો થઈને 20થી 25 મિનિટનો થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 21 જૂને સરખેજ-ગાંધીનગર હાઇવે ઉપર અંદાજે રૂ.80 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ત્રણ ઓવર બ્રિજ વૈષ્ણોદેવી ફ્લાય-ઓવર બ્રિજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ ફ્લાય-ઓવર બ્રિજ અને છત્રાલ-પાનસર રોડ ખાતે રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ-ગાંધીનગર જતા હાઈવે પર દરરોજ 1 લાખથી વધુ વાહન ચાલકોની અવર-જવર થતી હોય છે. નવા કોરિડોરથી વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળશે.
(પ્રતિકાત્મક તસવીર)