Site icon Revoi.in

ગુજરતમાં અત્યાર સુધીમાં ૪.૪૯ લાખ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી

Social Share

અમદાવાદ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખરીફ સીઝન પહેલાં વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવા અનુરોધ કર્યો છે. પહેલી મેથી 10-10 ગામોના ક્લસ્ટર્સમાં ખેડૂતોને તેમના ગામમાં જઈને ઘર આંગણે તાલીમ આપવામાં આવી રહી છે. મે 2023ના પહેલા અઠવાડિયામાં આ રીતે 1,33,972 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે.

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિની સમીક્ષા માટે રાજભવન ખાતે આયોજિત ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ગુજરાતની 14,485 ગ્રામ પંચાયતોને 10-10 ગામના 1,466 ક્લસ્ટર્સમાં વિભાજીત કરીને ખેડૂતોને ઘર આંગણે તાલીમ આપવાના નિર્ણયને અદભુત આવકાર મળ્યો છે. તાલીમ પામેલા નિષ્ણાંત ખેડૂતો જ અન્ય ખેડૂતોને તેમના ગામમાં જઈને તાલીમ આપી રહ્યા છે. આ પદ્ધતિથી ઓછા સમયમાં વધુ ખેડૂતોને સાવ ઓછા ખર્ચે અને વધુ અસરકારક રીતે તાલીમ આપવામાં આવી રહી છે. આ પદ્ધતિ પારદર્શક અને પ્રમાણિક છે. જો ગુજરાતમાં આ તાલીમ મોડ્યુલ સફળ થશે, તો સમગ્ર દેશમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં સરળતા રહેશે. ગુજરાતમાં આ કામ અત્યંત અસરકારક રીતે કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

ગુજરાતમાં અત્યારે 4 લાખ, 49 હજાર ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. એપ્રિલ-2023 દરમિયાન જ 696 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સૂક્ષ્મ જીવાણુઓ પર આધારિત ખેતી છે. ચોમાસામાં ભેજને કારણે સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધારે થાય છે. સૂક્ષ્મ જીવાણુઓથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. પરિણામે ખેડૂતોનું ઉત્પાદન વધે છે. ચોમાસામાં પ્રાકૃતિક ખેતીની સફળતા અનેક ગણી વધુ છે. ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પણ ખેડૂતોને તાલીમ આપવાનું કાર્ય શરૂ થઈ ગયું છે, તે માટે પણ તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં કૃષિ વિભાગ અને આત્માના વરિષ્ઠ અધિકારીઓ, ગુજરાત પ્રાકૃતિક અને ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના અગ્રણી સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.