ભૂજઃ કચ્છમાં લોકો આજે દિવાળીનું પર્વ મનાવી રહ્યા છે, ત્યારે બપોરના ટાણે ઘોરડો નજીર આંતરરાષ્ટ્રીય પાક સરહદે આજે 3.15 વાગ્યે 4.8ની તીવ્રતા ધરાવતો ભૂંકપનો આચકો અનુભવાયો હતો. આજે બપોરે 03:15 વાગ્યે પશ્ચિમ અક્ષાંશ: 24.35 ઉત્તર રેખાંશ: 68.54 પશ્ચિમ દિશાએ 10 કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો 4.8ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ સંશોધન, ગાંધીનગરના અહેવાલ મુજબ ભૂકંપનો વિસ્તાર ભારત-પાકિસ્તાન સરહદી ક્ષેત્ર બતાવવામાં આવ્યું છે. ભૂકંપને કારણે સરહદી વિસ્તારનાં ગામડાંમાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
કચ્છના વાગડ વિસ્તારમાં આવેલી વાગડ ફોલ્ટ લાઈન પર સામાન્ય તીવ્રતા ધરાવતા અનેક આફ્ટરશોક સમયાંતરે આવતા રહે છે. તો ક્યારેક કચ્છના પશ્ચિમ વિસ્તારોમાં પણ ધરતીકંપના આંચકા અનુભવાય છે, પરંતુ સરહદી લખપત તાલુકામાં તેની અસર ક્યારેક પડતી હોય છે. ત્યારે આજે બપોરના ટાણે આવેલા 4.8ની તીવ્રતાના ભૂકંપથી લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભય વ્યાપી ગયો હતો.
લખપતના મીડિયા અહેવાલ મુજબ બપોરે આરામ કરી રહેલા લોકો ભૂંકપ આવતા ઘરની બહાર દોડી આવ્યા હતા. તાલુકાના માતાના મઢ, ગુનેરી, ઘડુલી, દોલતપર સહિતના વગેરે ગામોમાં પણ આંચકાની વ્યાપક અસર થઈ રહ્યાનું લોકો જણાવી રહ્યા હતા. અમુક કાચા બાંધકામોમાં તિરાડો પણ જોવા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે, તો બીજી તરફ સરહદે આર્મી કેમ્પ ખાતે તહેનાત સીમા સુરક્ષા દળના જવાનોએ પણ ધરતીકંપનો અનુભવ કર્યો હતો અને ટેન્ટ બહાર આવી એકમેકના ખબર પૂછ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે છે. આજે કચ્છના ધોરડોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનો સાથે દિવાળી ઉજવણી કરી હતી. સાંજે 4 કલાકથી શરૂ થનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સહભાગી થયા હતા. મુખ્યમંત્રીની સરહદી વિસ્તારની મુલાકાત દરમિયાન ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.