અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, દરમિયાન આજે સુરતમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. કામરેજના અંત્રોલી નજીક પૂરઝડપે પસાર થતા ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. ટેમ્પો ડિવાઈડર કુદાવીને સામેથી આવતા બે અલગ-અલગ બાઈકને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના અંત્રોલી નજીક પૂરઝડપે પસાર થતો પેસેન્જર ટેમ્પોના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી ટેમ્પો ડિવાઈડર કુદાવીને રોંગસાઈડમાં ઘુસી ગયો હતો. તેમજ સામેથી આવતા બે મોટરસાઈકલને અડફેટે લીધા હતા. જેથી બંને બાઈક ઉપર સવાર લોકો ફંગોળાઈને દૂર પડકાયાં હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક દંપતિ સહિત ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવને પગલે પોલીસની ટીમ તથા સ્થાનિકો ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યારે ચારેય મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકોની ઓળખ મેળવવા કવાયત શરૂ કરુ છે. બીજી તરફ ટેમ્પો ચાલક સામે આકરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.