ગુજરાત-રાજસ્થાનમાં 4 ડ્રગ મેન્યુફેક્ચરિંગ લેબનો ખુલાસો, 230 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું
અમદાવાદઃ ગુજરાત એટીએસ અને એનસીબની ટીમોએ ગુજરાત તથા રાજસ્થાનમાં ચાર સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. ડ્રગ્સની દાણચોરી સામેની ઝુંબેશના ભાગરૂપે, જાલોરના ભીનમાલ અને જોધપુરના ઓસિયન અને ગુજરાતના ગાંધીનગર અને અમરેલીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ 13 જેટલા આરોપીઓની અટકાયચત કરીને આગવી ઢબે પૂરછપરછ કરવામાં આવી છે. તેમની પૂછપરછના આધારે હવે ગેંગના મુખ્ય નેતાની શોધ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રગ્સનું ઉત્પાદન કરતી ચાર હાઇટેક લેબનો પર્દાફાશ થયો છે. અહીંથી કુલ 149 કિલો એમડી, 50 કિલો એફેડ્રિન અને 200 લિટર એસિટોન પણ મળી આવ્યો છે. આ ડ્રગ્સની કિંમત લગભગ 230 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે જોધપુરના ઓસિયનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડામાં એમડી બનાવવા માટેનો કાચો માલ મળી આવ્યો હતો. ઓસિયન જોધપુરના રહેવાસી રામ પ્રતાપને અહીંથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેઓ મેડિકલ સ્ટોરના સંચાલક પણ છે. સહાયે જણાવ્યું કે, ચોથો દરોડો ગુજરાતના અમરેલીમાં પાડવામાં આવ્યો હતો. જેમાં તિરુપતિ કેમ્પ ઈન્ડસ્ટ્રીમાં દરોડો પાડીને 6:30 કિલો એમડી અને 4 લીટર પ્રવાહી એમડી મળી આવ્યું હતું. અમરેલીના રહેવાસી નીતિન કાબડિયા અને કિરીટ માંડવિયાને અહીંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ચારેય જગ્યાએથી ઝડપાયેલા ડ્રગ્સની કિંમત લગભગ 230 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
સહાયે જણાવ્યું કે એટીએસ ડીવાયએસપી એસએલ ચૌધરીને બે મહિના પહેલા માહિતી મળી હતી કે અમદાવાદના રહેવાસી મનોહર લાલ અને ગાંધીનગરના રહેવાસી કુલદીપ સિંહ ડ્રગ બનાવવા માટે ક્યાંકથી કાચો માલ લાવે છે અને લેબમાં એમડી ડ્રગ તૈયાર કરે છે. આના પર એટીએસે એનસીબી સાથે મળીને આ માહિતી પર કામ કરવાનું શરૂ કર્યું હતું. જેના પરિણામે આટલી મોટી સફળતા મળી હતી. એનસીબી અને એટીએસની ટીમે ચાર જગ્યાએ દરોડા પાડ્યા હતા.