Site icon Revoi.in

ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં નાહવા પડેલા અમદાવાદના 4 મિત્રો ડૂબ્યા, 3ના મોત એકનો બચાવ

Social Share

અમદાવાદઃ ઉનાળાની ગરમી અને વેકેશનને લીધે લોકો જાણીતા સ્થળોએ ફરવા માટે જતા હોય છે. અને નદી કે તળાવમાં નાહવા પડતા હોય છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ નાતા હોય છે. આવો જ એક બનાવ ગળતેશ્વરમાં બન્યો છે. અમદાવાદના નવ મિત્રો ગળતેશ્વર ફરવા માટે ગયા હતા. જ્યાં મહીસાગર નદીમાં ચાર મિત્રો નાહવા માટે પડતા ચારેય મિત્રો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. દરમિયાન બુમાબુમ થતાં સ્થાનિક તરવૈયાઓએ એકનો યુવાનને બચાવી લીધો હતો. પણ બાકીના ત્રણ મિત્રો ડુબી ગયા હતા. અને તેમના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સેવાલીયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

ખેડા જિલ્લાના ગળતેશ્વર નજીકની મહિસાગર નદીમાં ભૂતકાળમાં પણ ડુબી જવાના બનાવો બન્યા છે. ઉનાળાની ગરમી અને વેકેશનને લીધે હાલ અનેક લોકો ગળતેશ્વરમાં ફરવા માટે આવી રહ્યા છે. અને જેમાં ઘણા લોકો ગરમીથી ઠંડક મેળવવા માટે મહીસાગર નદીમાં નહાવા માટે પડતા હોય છે. અમદાવાદથી 9 જેટલાં યુવાન મિત્રો ગાઈકાલે રવિવારે ગળતેશ્વર ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન આ ગ્રુપના કેટલાક સભ્યો ગળતેશ્વર નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જે પૈકી ગ્રૂપનો એક સભ્ય મહીસાગર નદીમાં ડૂબવા લાગ્યો હતો. જેથી સાથી મિત્રોએ મદદ કરતા એક બાદ એક એમ કુલ ચાર મિત્રો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેથી સ્થાનિક તરવૈયાઓએ એક યુવકને બચાવી લીધો હતો. જ્યારે રવિવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પાણીમાં લાપતા બનેલા અન્ય બે યુવાનના મૃતદેહો પણ સોમવારે મળી આવ્યા હતા. જે ત્રણેય યુવાનોના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢ્યા છે. સેવાલીયા પોલીસે બનાવ સ્થળે દોડી આવી તમામના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તીવ્ર ગરમી હોય રવિવારે નવ જેટલા યુવાન મિત્રો બે જુદીજુદી રિક્ષામાં બેસી અમદાવાદથી ગળતેશ્વર આવ્યા હતા. જ્યાં 4 મિત્રો નહાવા માટે નદીમાં ઉતર્યા હતા. આ દરમિયાન ઘટના બની છે. જેમાં મરણજનાર બે વ્યક્તિઓની ઓળખ થઈ છે અને ત્રીજાની હાલ કરવામાં આવી છે જેમાં ત્રીજા વ્યક્તિનું નામ પ્રદીપ વાઘેલા (રહે.અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું છે. જે સંદર્ભે અપમૃત્યુની નોંધ પણ કરાઈ છે. હાલ પીએમની કાર્યવાહી ચાલુ છે જે બાદ મૃતદેહોને તેમના સ્વજનોને સોંપવામાં આવશે.