ગુજરાત યુનિવર્સિટી દ્વારા L D કોલેજ, PRLથી 132 ફુટ રિંગ રોડ તરફ જતા રસ્તા પર 4 ગેટ મુકાશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની દીવાલની બહાર 40 જેટલા લારી-ગલ્લા ખડકાયેલા હતા.જે મ્યુનિ.કોર્પોરેશનની મદદ લઈને યુનિવર્સિટી દ્વારા તમામ લારી-ગલ્લાઓને હટાવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીવાર તે જગ્યા પર લારી-ગલ્લાના દબાણો ન થાય તે માટે ફેન્સિંગ કરીને વૃક્ષો વાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત યુનિવર્સિટી દ્વારા એલ.ડી. એન્જિનિયર કોલેજ વચ્ચે જતા રસ્તા પર ગેટ બનાવવામાં આવશે. અલગ-અલગ 4 જગ્યાએ ગેટ ઊભા કરવામાં આવશે. જેથી, ગેરકાયદેસર રીતે કોઈપણ લારી-ગલ્લા લગાવી ના શકે. યુનિવર્સિટી પોતાની જ સંપતિ પર પોતાનું નિયંત્રણ લાદશે.
ગુજરાત યુનિવર્સિટી અને એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ વચ્ચે આવેલા રસ્તા પર 40થી વધુ નાસ્તા તથા ચા કોફીની લારીઓ હતી. જેને ગુજરાત યુનિવર્સિટી દ્વારા AMC તથા પોલીસની મદદથી ત્યાંથી દૂર કરવામાં આવી છે. લારી-ગલ્લા હટાવાયા બાદ રાતોરાત ત્યાં વૃક્ષ રોપીને ફ્રેંસિંગ કરી દેવામાં આવી હતી. જોકે, આ જગ્યા ગુજરાત યુનિવર્સિટીની માલિકીની હોવાથી યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં ગેટ પણ લગાવવામાં આવશે. યુનિવર્સિટીની માલિકીના આ રસ્તેથી અત્યારે એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ અવરજવર કરે છે. આ સાથે KCGના સ્ટાફ, PRLના સ્ટાફ, ગર્લ્સ પોલીટેકનિક, પોલીસ તથા અન્ય રાહદારીઓ અવરજવર કરે છે. યુનિવર્સિટી દ્વારા PRL, ગર્લ્સ પોલીટેકનિક, એલડી અને KCG સાથે ચર્ચા કરીને અલગ-અલગ જગ્યાએ ગેટ ઊભા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ રસ્તો રાહદારીઓ માટે પણ ખુલ્લો હતો, જે આગામી સમયમાં પણ ખુલ્લો રહેશે પરંતુ, ત્યાં ગેટ લગાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીની પોતાની માલિકીની જગ્યા પર નિયંત્રણ રહે તથા કોઈ બિનઅધિકૃત રીતે કબ્જો ના કરી લે તે માટે યુનિવર્સિટી દ્વારા કેટલાક પગલાં હાથ ધરાશે. એલડી એન્જિનિયરિંગ તથા ગુજરાતી યુનિવર્સિટી વચ્ચેથી પસાર થતાં રસ્તા પર બેરીકેટિંગ લગાવીને ગેટ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત એલ.ડી આર્ટસ તરફથી યુનિવર્સિટી તરફ આવતા રસ્તા ઉપર પણ ગેટ લગાવવામાં આવશે અને ગુજરાત યુનિવર્સિટીની પાછળની તરફની જે માલિકીનો રસ્તો છે ત્યાંથી SBI બેન્ક તરફના રસ્તા પર પણ બે ગેટ લગાવવામાં આવશે એમ કુલ ચાર ગેટ લગાવીને યુનિવર્સિટી પોતાની જગ્યા ઉપર પોતાનું નિયંત્રણ લાગશે.
સૂત્રોએ ઉમેર્યું હતુ કે, ગુજરાત યુનિવર્સિટીની અંદરની જગ્યા સિવાય બહારનો રસ્તો પણ યુનિવર્સિટીની માલિકીનો છે, જ્યાં અગાઉ રાહદારીઓ માટેનો રસ્તો નથી એવા બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા પરંતુ, યુનિવર્સિટી દ્વારા લોકો માટે અવરજવર ચાલુ રાખવામાં આવી હતી. ગેટ લગાવ્યા બાદ ગેટ પર સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવશે. રાહદારીઓ માટે પણ રસ્તો ચાલુ જ રહેશે પરંતુ, હવે આ રોડ પર સંપૂર્ણ નિયંત્રણ યુનિવર્સિટીનું જ રહેશે.