દિલ્હી : ફોર્બ્સની 100 સૌથી અમીર સેલ્ફ મેડ મહિલાઓની યાદીમાં ભારતીય મૂળની ચાર મહિલાઓએ સ્થાન મેળવ્યું છે. ભારતીય મૂળની આ ચાર મહિલાઓની સંપત્તિ સામૂહિક રીતે 4.06 અરબ ડોલર છે. ફોર્બ્સની આ સૂચીમાં કોમ્પ્યુટર નેટવર્કિંગ ફર્મ અરિસ્ટા નેટવર્ક્સના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) જયશ્રી ઉલ્લાલ, IT કન્સલ્ટિંગ અને આઉટસોર્સિંગ ફર્મ સિન્ટેલના સહ-સ્થાપક નીરજા સેઠી, ક્લાઉડ કંપની કન્ફ્લુએન્ટના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) નેહા નારખેડે અને પેપ્સિકોના ભૂતપૂર્વ ચેરમેન અને સીઈઓ ઈન્દ્રા નૂયી સામેલ છે.
શેરબજારોમાં સતત તેજી વચ્ચે ફોર્બ્સની 100 સૌથી ધનિક મહિલાઓની યાદીમાં મહિલા સાહસિકોની નેટવર્થ એક વર્ષ અગાઉની સરખામણીમાં 12 ટકા વધીને 124 અબજ ડોલર થઈ છે.જયશ્રી ઉલ્લાલ 2.4 અરબ ડોલરની નેટવર્થ સાથે યાદીમાં 15મા ક્રમે છે. તે 2008 થી સાર્વજનિક રીતે ટ્રેડેડ અરિસ્ટા નેટવર્ક્સના પ્રમુખ અને સીઈઓ છે. અરિસ્ટા 2022માં અંદાજે 4.4 અરબ ડોલરની આવકનો પ્રોજેક્ટ કરે છે. તેઓ ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની સ્નોફ્લેકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ છે. યાદીમાં 25મા ક્રમે આવેલા 68 વર્ષીય સેઠીની કુલ સંપત્તિ 99 કરોડ છે.
સેઠી અને તેમના પતિ ભરત દેસાઈ દ્વારા 1980માં સહ-સ્થાપિત સિન્ટેલને ઓક્ટોબર 2018માં ફ્રેન્ચ IT ફર્મ Atos SE દ્વારા 3.4 અરબ ડોલરમાં ખરીદી લેવામાં આવી હતી. સેઠીને તેમના હિસ્સા માટે અંદાજિત 51 કરોડ ડોલર મળ્યા હતા. જ્યારે 38 વર્ષીય નારખેડે 52 કરોડ ડોલર ની નેટવર્થ સાથે યાદીમાં 38મા ક્રમે છે.
પેપ્સિકોના ભૂતપૂર્વ ચેરમેન અને સીઈઓ નૂયી કંપની સાથે 24 વર્ષ પછી 2019 માં નિવૃત્ત થયા. તેમની કુલ સંપત્તિ 35 કરોડ ડોલર હોવાનો અંદાજ છે અને તે યાદીમાં 77મા ક્રમે છે. ABC સપ્લાયના સહ-સ્થાપક ડેન હેન્ડ્રીક્સ સતત છઠ્ઠી વખત આ યાદીમાં ટોચ પર છે. હેન્ડ્રીક્સની કુલ સંપત્તિ 15 અરબ ડોલર છે