રાજકોટઃ ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવોમાં વધારો થતો જાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. માલીયાસણ ગામ પાસે કપચી ભરેલા ટ્રક પાછળ ઇકોકાર ધડાકાભેર અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો.આ અકસ્માતમાં ઇકોકારમાં સવાર રાજકોટના બે નિવૃત એ.એસ.આઈ સહિત ચાર લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે પાંચને ઈજાઓ થઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મપજબ અમદાવાદ રાજકોટ હાઇવે પર રાજકોટના માલીયાસણ ગામ પાસે ડમ્પર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાજકોટના બે નિવૃત્ત ASI સહિત એક પુરવઠા કર્મચારી અને તેમના દાદીનું મોત નીપજ્યું છે. જ્યારે બન્ને નિવૃત ASIના પત્ની સહિત પરિવારના 5 વ્યકિતઓને ઇજા થતાં તેમને 108 દ્વારા સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંને નિવૃત્ત ASIના પરિવારજનો ડાકોર દર્શન કરી પરત ઘેર આવતી વેળાએ આ બનાવ બન્યો હોવાનું બહાર આવ્યું છે.
આ અકસ્માતની એવી વિગતો જાણવી મળી હતી. કે, મોડીરાત્રે માલીયાસણ ગામ નજીક ટ્રક નંબર GJ 03 BW 0335 અને ઇકો કાર નંબર GJ 03 KC 2269 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટથી અમદાવાદ જતા રસ્તા તરફ ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા મરણ ચીસો ગુંજી ઉઠી હતી. આ અકસ્માતમાં ઈકોકારમાં મુસાફરી કરી રહેલા બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા જ કુવાડવા પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 108 દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવારમાં રહેલાઓ પૈકી વધુ બે વ્યક્તિઓના ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા. આ અકસ્માત સમયે ઇકો કારમાં આગળની સીટ પર એક વૃદ્ધ બેઠા હતા. અકસ્માતના પગલે ટ્રકનો પાછળનો ભાગ બેથી ત્રણ ફૂટ સુધી ઇકો કારને ચીરીને અંદર ઘૂસી ગયો હતો. જેમાં આગળ બેઠેલાં વૃદ્ધનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અને મહામહેનતે તેમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, ઇજાગ્રસ્તો પૈકી હજુ પણ એકાદ વ્યક્તિ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેને કારણે મૃત્યુઆંક વધે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, રાજકોટના જામનગર રોડ ઉપર રહેતા ASI જ્યેન્દ્રસિંહ યુ. ઝાલા અને પૃથ્વીરાજસિંહ બી. જાડેજા તથા પૂરવઠા કર્મચારી ઇન્દ્રજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા અને તેમના દાદીમા મયાબા જાડેજા સહિતના ડાકોરથી દર્શન કરી પરત આવી રહ્યા હતા. દરમિયાન માલિયાસણ ખાતે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં બંને નિવૃત ASI સહિત ચારેય લોકોને કાળ આંબી ગયો હતો. ઘટનાને પગલે જાડેજા પરિવારમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. હાલમાં તો પોલીસે અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.