આબુરોડ પાસે પૂરફાટ ઝડપે આવેલી જીપકાર પાર્ક કરેલી ટ્રક પાછળ ઘૂંસી જતાં 4ના મોત, 8ને ઈજા
પાલનપુરઃ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પાલનપુરથી આબુ રોડ જતાં હાઈવે પર ચંદ્રાવતી કટ પાસે હાઈવે પર પાર્ક કરેલી ટ્રક પાછળ પૂરઝડપે આવેલી જીપકાર ધડાકા સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા ચારના મોત નિપજ્યા હતા. જ્યારે 8 જેટલા પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે.કે, રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ નજીક ચંદ્રાવતી કટ પાસે પાર્ક કરેલી ટ્રકની પાછળ પાલીથી આવી રહેલી મુસાફરોથી ભરેલી જીપકાર અથડાઈ હતી. આ અકસ્માતમાં 4ના મોત થયા હતા અને 8 ઘાયલ થયા હતા. પાલીમાંથી ભાઈના મૃત્યુ બાદ બેસણામાં જતી વખતે આ દુર્ઘટના ઘટી હતી. જીપકારમાં બંને પરિવારના 12 લોકો સવાર હતા. રિકો સ્ટેશન ઓફિસર સુરેશ ચૌધરીએ જણાવ્યું કે ડ્રાઈવર સહિત 8 ઘાયલોને આબુ રોડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જીપકારમાં બંને પરિવારના લોકો સવાર હતા. તમામ લોકો પાલી જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના માનપુર ભાકરીના રહેવાસી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે જીપ કારની આખી છત ઉડીને ફસાઈ ગઈ હતી.
આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા ઈજાગ્રસ્તો લાંબા સમય સુધી વાહનમાં ફસાયેલા રહ્યા હતા. પોલીસે લોકોની મદદથી ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી આબુ રોડ પર આવેલી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આબુરોડ પરત આવતી વખતે આબુ રોડ ચંદ્રાવતી કટ પાસે ક્રુઝર વાહન પાર્ક કરેલી ટ્રક સાથે અથડાયું હતું. અકસ્માતમાં કારની આખી છત ઉડી ગઈ હતી.