વડોદરાઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વડાદરા-હાલોલ હાઈવે પર કોટંબી નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે આવેલા પીકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા પીકઅપ વાન પલટી ખાઈને પાણી ભરેલા નાળામાં ખાબકતા ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 6 લોકોને ઈજાઓ થઈ હતી.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા શહેરના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ નજીક પીકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પીકઅપ વાન પલટી ખાઈને પાણી ભરેલા નાળામાં ખાબકી ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે પીકઅપ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા-હાલોલ હાઈવે નજીક આવેલા કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. ખાલી સાઇડનું ટાયર ડિવાઇડર સાથે અથડાતા આખેઆખું પીક-અપ વાન પલટી ખાઈને પાણી ભરેલા નાળામાં ખાબક્યું હતું. પીકઅપ વાનમાં 10 લોકો સવાર હતા. જેમા બે બાળક સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 6 લોકોને ઈજાઓ થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની જાણ કરાતા પોલીસ ઉપરાંત ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પીકઅપ ડાલાનું ટાયર ફાટી જવાથી આ અકસ્માત સર્જાયો હતો. રોડની બાજુમાં આવેલા નાળામાં પાણી ભરેલું હતું. ત્યાં પીકઅપ ડાલુ પલટી મારી ગયું હતું. ફાયર વિભાગના જવાનોએ ચાર લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. જેમાં બે નાના બાળકો હતા અને બે પુરુષોનો સમાવેશ થાય છે. અન્ય એક દર્દીને જારોદથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.