જૂનાગઢઃ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે દટાયેલા 4 વ્યક્તિનાં મોત થયાં હતા.મકાન ધડાકા સાથે ધરાશાયી થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન ફાયરબ્રિગેડના જવાનો તેમજ મ્યુનિ.ના અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. કાટમાળમાં દટાયેલા ચારેય મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં હતા. તેમજ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. એક જ પરિવારના ત્રણ લોકો સહિત 4 લોકોના મોત થતાં મૃતકોના પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. રિક્ષામાં બેસી પરિવાર શાકભાજી લેવા ગયો હતો અને મકાન ધરાશાયી થતા જીવ ગુમાવ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને 4 લાખની સહાય ચુકવવાની જાહેરાત કરી હતી.
જુનાગઢમાં વરસાદી આફત બાદ જનજીવન થાળે પડી રહ્યુ છે, ત્યારે જ શહેરના કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીક આવેલું એક માળનું મકાન બપોરના સમયે ધડાકા સાથે ધરાશાયી થતાં આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા, અને સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ દાડી આવીને જેસીબી મશીન તેમજ ફાયરના જવાનો અને સ્થાનિક લોકોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, સ્થાનિક ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે. જેમાં એક ચા વાળા ભાઈ તેમજ એક જ પરિવારના ત્રણ લોકો જે રિક્ષામાં હતા તે તમામના મૃતદેહો કાઢવામાં આવ્યાં છે. હવે અંદર કોઈ હોય તેવી શક્યતા નથી. કાટમાળ હટાવવાની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. કલેક્ટર, કમિશ્નર, તેમજ એસપી સહિત પોલીસ તંત્ર, NDRFની ટીમ અને સ્થાનિકોએ ખુબ મહેનત કરીને તાત્કાલીક કામગીરી શરૂ કરી હતી.
જૂનાગઢમાં સોમવારે બપોરના સમયે એક મકાન ધરાશાયી થયું હતું. જેથી એક જ પરિવારના ત્રણ લોકો સહિત કુલ 4 લોકોના મોત થયા હતા જેમાં. બે પુત્ર સાથે પિતાનું મોત નિપજતા તેમના પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. પરિવારનો માળો વિખરાઈ જતાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ ઉપરાંત અન્ય એક ચાની લારી ધારક વૃદ્ધનું પણ મોત નિપજ્યુ હતુ. રિક્ષામાં શાકભાજી લેવા ગયેલા પરિવારના ત્રણ સભ્યો આ દૂર્ઘટનામાં મોતને ભેટ્યાં હતા. જે તમામના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનો પણ ઉમટી પડ્યા હતા. જ્યાં પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોવા મળ્યું હતું.