Site icon Revoi.in

સાપુતારાના હીલ વિસ્તારના રોડ પર લાકડાં ભરેલી ટ્રક પલટીને ક્રેટાકાર પર ખાબકતા 4નાં મોત

Social Share

આહવાઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સાપુતારાના હીલ વિસ્તારના રોડ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી લાકડાનો જથ્થો ભરી દહેગામ જતી દસ વ્હીલર ટ્રક નંબર જીજે 14 એક્સ 0786 ના ટ્રક ચાલકે ઘાટમાર્ગમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક પલટી ખાઈને બાજુમાંથી પસાર થઈ રહેલી ક્રેટાકાર પર ખાબકતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં ગાંધીનગર પાર્સિંગની ક્રેટા કારમાં પ્રવાસ કરી રહેલા એક જ પરિવારના પાંચ વ્યક્તિમાંથી ચારના મોત નિપજ્યા હતા. જ્યારે એક મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક નજીકની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં ગુરૂવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાંધીનગર પાસિંગની ક્રેટા કાર (GJ-18 BM-0701) પર લાકડા ભરેલા ટ્રકે પલટી મારી હતી. જેમાં કારમાં સવાર 4 પ્રવાસીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જ્યારે એક મહિલાને ઈજા થઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના સભ્યો ગાંધીનગરના પાલજના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ  છે.  આ અકસ્માતના બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અકસ્માતની પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચીને  મૃતકોના ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર તમામ 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ ગંભીર અકસ્માતની ઘટનાને પગલે ડાંગ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ, સાપુતારા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.જે નિરંજન, ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસના જવાનો, વાહન ચાલકો સહિત આજુબાજુના લોકો દોડી આવી મદદે પહોંચ્યા હતા, પરંતુ તાત્કાલિક ક્રેનની વ્યવસ્થા ઉભી ન થતાં ચગદાયેલ મુસાફરોને કાઢવા માટે અવરોધ ઉભો થયો હતો. સાપુતારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરતાં તાત્કાલિક ક્રેન બોલાવી ટ્રક નીચેથી કારમાંથી મુસાફરોને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.