Site icon Revoi.in

અમરેલીના ખાંભા નજીક ત્રાકુડા ગામે ઢોરના ટોળાં પર 4 સિંહએ કર્યો હુમલો

Social Share

અમરેલીઃ  જિલ્લામાં સિંહની વસતી વધતા જાય છે. સાવરકુંડલા, રાજુલા અને ખાંભા વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. હાલ વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે  સિંહો ખુલ્લા વાતાવરણ વિસ્તારમાં વધુ ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ખાંભા તાલુકાના ત્રાકુડા ગામે રોડ પર બેઠેલા રેઢિયાર ઢોરો પર 4થી 5 જેટલા સિંહોના ટોળાએ હુમલો કરતા ઢોરોએ નાસભાગ કરી મુકી હતી. દરમિયાન  એક વાછરડી ભાગી નહિ શકતા સિંહએ એનો શિકાર કર્યો હતો. અન્ય પશુઓ ખેતરોમા અલગ અલગ વિસ્તારમાં જીવ બચાવવા ભાગ્યા હતા. જેના કારણે બચાવ થયો હતો. સિંહોએ શિકાર કરવા માટે ભારે ભાગદોડ મચાવી હતી.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ખાંભા તાલુકાના ત્રાકુડા ગામમાં રાતના સમયે શિકારની શોધમાં ચારથી પાંચ સિંહ આવી ચડ્યા હતા. અને ગામના પાદરમાં રખડતા ઢોર ટોળે વળીને બેઠા હતા. ત્યારે સિંહોએ ઢોર પર હુમલો કર્યો હતો. દરમિયાન ઢોરોએ ખેતરો તરફ દોટ મુકી હતી. દરમિયાન એક વાછરડી ભાગી ન શકતા સિંહે વાછરડીનો શિકાર કર્યો હતો. આ બનાવની જાણ ગ્રામજનોને થતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. અને વન વિભાગનો સ્ટાફ ત્રાકુડા ગામે દોડી ગયો હતો.

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યાઓ વધી રહી છે. ગામડાંઓમાં સિંહોના ગ્રુપ સાથે જોવા મળી રહ્યા છે. અને રખડતા ઢોરનો શિકાર કરે છે. જિલ્લાના રાજુલાના રામપરા ગામમાં પણ સિંહો વાંરવાર આવી ઢોરનો શિકાર કરતા હોવાની ફરિયાદો ઊઠી છે.