જૂનાગઢ: સાસણ ગીર અભ્યારણ્યમાં સિંહ દર્શન માટે રોજબરોજ અનેક પ્રવાસીઓ આવતા હોય છે. અને વનરાજોને વિહરતા નિહાળવાનો લહાવો લેતા હોય છે. ચોમાસાના ચાર મહિના અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. આગામી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન રહેશે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢના સાંસણ ગીરમાં સિંહ દર્શન માટે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આવતા હોય છે. પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રવાસીઓ જીપકારમાં બેસીને સિંહોને વિહરતા નિહાળતા હોય છે. ચોમાસા દરમિયાન સિંહોનો મેટિંગ પિરિયડ શરૂ થયો હોય છે. અને આ સમય દરમિયાન સિંહ કોઈ ખલેલ સહન કરતા ન હોય વધુ ઝનુની બનતા હોય છે. એટલે ચોમાસાના ચાર મહિના સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે.
જૂનાગઢ જિલ્લાના ગીર સાસણ ખાતે આગામી 16 જુનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન વેકેશન હોવાથી નહિ થઈ શકે, દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે. આ દરમિયાન પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. આ સમય કાળ દરમિયાન સફારીનું મેન્ટેનન્સ કાર્ય અને સિંહનો પ્રજનન કાળના સમયગાળામાં પ્રવાસીઓ અભ્યારણ્યની મુલાકાત લઈ શકશે નહીં.
જૂનાગઢ સીસીએફના જણાવ્યા મુજબ ગત વર્ષે 1.95 લાખ પ્રવાસીઓએ જંગલ સફારી અને 6.88 લાખ પ્રવાસીઓએ દેવડીયા પાર્કની મુલાકાત લીધી હતી. આ વર્ષ દરમિયાન કુલ 8 લાખથી વધુ પ્રવાસીઓએ સાસણ ગિરની મુલાકાત લઈ સિંહ દર્શન કર્યા હતા. પ્રવાસીઓને આવકારવા માટે વન વિભાગ હંમેશા તત્પર રહેતા હોય છે.