અમદાવાદઃ શહેરનો વિકાસ કુદકે ને ભૂસકે વધતો જાય છે. વસતી સાથે શહેરનો વ્યાપ પણ વધ્યો છે. ત્યારે ટીપી કમિટીએ રામોલ, વસ્ત્રાલ અને હંસપુરા વિસ્તારમાં 4 જેટલી ટી.પી. સ્કીમને તૈયાર કરીને તેને આખરી મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપી છે. આ વિસ્તારમાં જાહેર થનારી ટી.પી. સ્કીમથી અમદાવાદ મ્યુનિ.ને 7.51 લાખ ચો.મી.ના 157 જેટલા પ્લોટ મળશે. આગામી ટી.પી. કમિટીમાં આ કામ રજૂ થશે. જેમમાં ઇડબલ્યુએસના આવાસ માટે 26 અને ગાર્ડન માટે પણ 26 જેટલા પ્લોટ અનામત રહેશે. તેમજ વિકાસ માટે વધુ જમીન મળી રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના પૂર્વ વિસ્તારના વિકાસ માટે ચાર જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરીને સરકારને મંજુરી માટે મોકલી દેવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશનને 157 જેટલા પ્લોટ્સ મળશે.જેમાં રામોલમાં સોશિયલ ઇન્ફ્રા માટે 11 પ્લોટ, વાણિજ્ય- રહેણાક માટે 14 પ્લોટ, ઇડબલ્યુએસ આવાસ માટે 7 પ્લોટ, ગાર્ડન – ઓપન જગ્યા માટે 10 પ્લોટ અને ઓસીયુ માટે 2 પ્લોટ અનામત રખાશે. જ્યારે વસ્ત્રાલમાં સોશિયલ ઇન્ફ્રા માટે 10 પ્લોટ, વાણિજ્ય- રહેણાક માટે 15 પ્લોટ, ઇડબલ્યુએસ આવાસ માટે 4 પ્લોટ, ગાર્ડન – ઓપન જગ્યા માટે 5 પ્લોટ અને સ્કૂલ અને પ્લેગ્રાઉન્ડ માટે 3 પ્લોટ અનામત રાખવામાં આવશે,
આ ઉપરાંત રામોલ 11 ટીપીમાં સોશિયલ ઇન્ફ્રા માટે 22 પ્લોટ, વાણિજ્ય- રહેણાક માટે 23 પ્લોટ, ઇડબલ્યુએસ આવાસ માટે 11 પ્લોટ અને ગાર્ડન – ઓપન જગ્યા માટે 7 પ્લોટ અનામત રાખવામાં આવશે. જ્યારે હંસપુરા (454) : સોશિયલ ઇન્ફ્રા માટે 1 પ્લોટ, વાણિજ્ય- રહેણાક માટે 3 પ્લોટ, ગરીબ આવાસ માટે 4 પ્લોટ, ગાર્ડન – ઓપન જગ્યા માટે 4 પ્લોટ અને સ્કૂલ તથા પ્લેગ્રાઉન્ડ માટે 1 પ્લોટ અનામત રખાશે.