દિલ્હીમાં હવાના પ્રદુષણથી 5માંથી 4 પરિવારને અસરઃ સર્વેમાં થયો ખુલાસો
દિલ્હીઃ રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વધતા પ્રદુષણ વચ્ચે સોશિયલ મીડિયા મંચ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે, આ વિસ્તારમાં દર પાંચ પરિવારમાંથી ચાર પરિવાર પ્રદુષિત હવાને પગલે એક અથવા વધારે બીમારીનો સામનો કરી રહ્યો છે.
લોકલ સર્કિલ્સ દ્વારા કરાવાયેલા સર્વેમાં એવુ પણ સામે આવ્યું છે કે, 91 ટકા દિલ્હીના રહેવાસીઓના મતે તંત્રએ આ વર્ષે ફટાકડાના પરિવહન, વિતરણ અને વેચાણ ઉપર રોક લગાવવામાં સંપૂર્ણ રીતે સફળ રહ્યું નથી. દિલ્હી, ગુડગાંવ, નોઈડા, ગાઝીયાબાદ અને ફરિદાબાદના 34 હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 66 ટકા પુરુષ અને 34 ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. વાયુ પ્રદુષણથી થતા આરોગ્યને થતી સમસ્યાઓ અંગે સવાલ પૂછવામાં આવ્યાં હતા.
જેના જવાબમાં 16 ટકા લોકોએ કહ્યું હતું કે, તેમને ગળામાં દુઃખાવાની ફરિયાદ છે. જ્યારે અન્ય 16 ટકા લોકોએ આંખોમાં બળતરા, ગળામાં દુઃખાવો તથા શરદીની અસર છે. જ્યારે બાકી 16 ટકા લોકોએ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરી હતી. 20 ટકા લોકોએ કહ્યું હતું કે, તેમને પ્રદુષિત વાતાવરણ વચ્ચે કોઈ સમસ્યા સર્જાઈ નથી. એટલે કે સરેરાશ પાંચમાંથી ચાર પરિવારો પ્રદુષિત હવાને પગલે આરોગ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
(Photo-File)