અમદાવાદઃ ભુજની જેલમાં બંધ ચારેક પાકિસ્તાની અને બાંગ્લાદેશી કેદીઓએ સુરક્ષા જવાનો ઉપર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. આ કેદીઓએ ખાસ મહિલા વોર્ડમાં ખસેડવાની માંગણી કરી હતી. જો કે, જેલતંત્રએ ઈન્કાર કરતા આ હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના ભૂજમાં વિદેશી કેદીઓ માટેની ખાસ જેલ જે.આઈ.સી. (જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર)માં 2 પાકિસ્તાની અને 2 બાંગ્લાદેશી કેદીઓ દ્વારા ગાર્ડ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
આ ખાસ જેલમાં અલાયદો મહિલા કેદીઓનો વોર્ડ બનાવવામાં આવ્યો છે. તેમાં જવા માંગતા 4 કેદીઓને જવાની ના પાડનાર જેલ ગાર્ડ ઉપર હુમલાનો આ બનાવ બન્યો હતો.
આ અંગે બે ગાર્ડ ઉપર હુમલો કરવા સંદર્ભે સિપાહી વનરાજસિંહ વેસલજી જાડેજાએ પાકિસ્તાની કેદીઓ મહમદ શરીફ ઉર્ફે અબ્દુલા નુરમહમ્મદ, મહમ્મદ ઇશાક ઉર્ફે મુલ્લાં જમીલ હુસેન અને બાંગ્લાદેશી કેદી મુરસલીમ મોશિયાર શેખ અને સાગર રિઝાઉલ્લ વિરૂદ્ધ ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ કેદીઓએ અન્ય જેલગાર્ડ નીમસિંહ ખેતસિંહ સોઢાને પણ ઈજાઓ પહોંચાડી હતી. બીજા બનાવમાં બાંગ્લાદેશી કેદીઓ સબીરહુસેન અહેમદ અમિરહુસેન અને નુરહુસેન અયુબખાનને વતન જવું હોઈ તેની હતાશામાં ઝેર પી લીધું હતું. બન્ને ને હોસ્પિટલમાં ખસેડાયા છે.