પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પાટણ અને બનાસકાંઠામાં બે અલગ અલગ અકસ્માતના બનાવમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. સમી તાલુકામાં ત્રિપલ અકસ્માતમાં 3 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે બનાસકાંઠામા બે બાઈક સામસામે ટકરતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને એકને ઈજા થઈ હતા.
પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, સમી તાલુકાના બાસ્પા પાસે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાસ્પા અને વરાણા વચ્ચે લક્ઝરી બસ, કાર તેમજ અને ટેમ્પા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે અલ્ટોકારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે કે એ જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર બાદ અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં દોડી આવ્યા હતા. પોલીસ પણ પહોંચી હતી. લોકોએ મૃતદેહોને કારમાંથી બહાર કાઢવાના અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ મૃતદેહો કારમાં ફસાઈ ગયા હતા. તેથી જેસીબી મશીન બોલાવી કારમાંથી મૃતકો બહાર કાઢવામા આવ્યા હતા. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરીને અન્ય ગાડીઓને જવા દીધી હતી.
અકસ્માતનો બીજો બનાવ બનાસકાંઠામાં બન્યો હતો. બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢ હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે બાઈક સામસામે ટકરતા એક વ્યક્તિનું મોત થયુ હતુ, તો એક વ્યક્તિને ઈજા થઈ હતી. બનાવના પગલે અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.