નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ વિરૂદ્ધ ગુનાના નોંધાયેલા કેસોમાં દિલ્હી બાદ મુંબઈ બીજા ક્રમે છે. NCRBએ 2022માં દેશભરમાં બનેલી ગુનાહિત ઘટનાઓના આધારે ડેટા જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે દેશમાં કુલ 58.25 લાખ ગુના નોંધાયા હતા, જેમાં IPC હેઠળના 35.61 લાખ અને રાજ્યના વિશેષ કાયદા હેઠળના 22.63 લાખ ગુનાનો સમાવેશ થાય છે. જોકે, 2021ની સરખામણીમાં 2022માં ગુનાઓમાં 4.5 ટકાનો વધારો થયો છે. આમાં સમગ્ર દેશમાં ઉત્તર પ્રદેશ પ્રથમ, મહારાષ્ટ્ર બીજા અને મધ્યપ્રદેશ ત્રીજા ક્રમે છે. દેશની આર્થિક રાજધાની મુંબઈને પણ સલામત શહેર માનવામાં આવે છે, પરંતુ હવે આ શહેર મહિલાઓ માટે અસુરક્ષિત બની ગયું છે. આ અહેવાલ પછી મહારાષ્ટ્રમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપોનું રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.
NCRBના ડેટા અનુસાર, મહારાષ્ટ્રમાં બાળ શોષણ (POCSO)ના સૌથી વધુ 20 762 કેસ નોંધાયા છે. બાળ શોષણની બાબતમાં રાજ્ય પ્રથમ ક્રમે છે. આ પછી મધ્યપ્રદેશમાં 20 415 ગુના નોંધાયા છે. આ સિવાય જો શહેરોમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાની વાત કરીએ તો દિલ્હીમાં 14,158, મુંબઈમાં 6,176, બેંગલુરુમાં 3,924, જયપુરમાં 3,479 અને હૈદરાબાદમાં 3,145 કેસ નોંધાયા છે. દેશમાં ગુનાખોરીને ડામવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત મહિલાઓ સાથે અત્યાચારને બનાવોને અટકાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાયદા બનાવીને તેનો કડક અમલ કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં મહિલાઓ માટે વિશેષ હેલ્પલાઈન સહિતની સેવાઓનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.