સુરતઃ શહેરમાં તાજેતરમાં થયેલી આંગડિયા લૂંટમાં પોલીસે GPS સિસ્ટમને લીધે ગણતરીના કલાકોમાં જ લૂંટારૂ શખસોને દબોચી લીધા હતા, આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડો રૂપિયાના હીરા ભરેલી બેગમાં GPS મુકવામાં આવ્યું હતુ. લૂટારૂ શખસો હીરા ભરેલી બેગ લૂટીના ભાગ્યા હતા. પણ હીરા ભરેલી બેગમાં રખાયેલું GPS ટ્રેકર પોલીસને લૂંટારૂ શખસોનું લોકેશન આપતું હતું. એટલે લૂંટારૂ શખસો મુંબઈ તરફ વાહનમાં બેસી નાસી રહેલા હોવાનું જણાતા વાપી પોલીસને સંદેશો આપતા હાઈવે પર વોચ ગોઠવીને લૂંટારૂ શખસોને મુદ્દામાલ સાથે દબોચી લેવાયા હતા.
સુરતના સરથાણા વિસ્તારમાં વહેલી સવારે બનેલી લૂંટની ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આંગડિયા પેઢીના કર્મચારીને ચપ્પુ અને બંદૂક બતાવી પાર્સલ લૂંટી લેવાની ઘટનામાં પોલીસે જીપીએસ ટ્રેકરનો ઉપોયગ કર્યો હતો. મુદ્દામાલમાં રહેલા જીપીએસ ટ્રેકર દ્વારા આરોપીનું જીવંત લોકેશન પોલીસને મળ્યું હતું. જેના આધારે મુંબઇ હાઈવે પર ભાગતા લૂંટારૂઓના લોકેશનની વાપી પોલીસને જાણ કરતા હાઈવે પરથી જ તમામ લૂંટારૂઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્યારે આ ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ અને સુરત પોલીસની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા અને લૂંટનો તમામ મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.
આ બનાવની વિગતો એવી હતી કે, સુરતના સરથાણા વિસ્તારમાં લૂંટારૂઓએ આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રિવોલ્વરની અણીએ બાનમાં લઇ હીરા ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ભાગી ગયા હતા. આંગડિયા પેઢીના કર્મચારીએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા સરથાણા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચની ટીમ દોડી ગઇ હતી. આંગડિયા પેઢી દ્વારા બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાનું જણાવતા પોલીસે તુરંત જ તેના આધારે લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યુ હતું. જે અંતર્ગત લૂંટારૂઓ અમદાવાદ-મુંબઇ હાઇવે ઉપર મુંબઇ તરફ જઇ રહ્યા હોવાથી તુરંત જ વલસાડ-વાપી પોલીસને જાણ કરી હતી. વલસાડ પોલીસે લૂંટારૂ ટોળકીને વાપી પાસેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.