લીંબડીઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર લીંબડીના જનશાળીના પાટિયા પાસે ગઈ તા. 6ઠ્ઠી માર્ચના રાતના સમયે બનેલા ધાડના ચકચારી ગુનામાં જિલ્લા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો શોધી કાઢી ચાર આરોપીઓ તથા ગુનામાં વપરાયેલી ત્રણ ફોર વ્હીલ કાર તથા એક મોટરસાયકલ તથા ગુનામાં વપરાયેલી હાથ બનાવટની એક પીસ્તોલ તથા એક હાથ બનાવટનો તમંચો તથા ગુનામાં ગયેલ ચાંદી 73 કીલો 583 ગ્રામ કીમત રૂપીયા 47,82,895 તથા ઇમીટેશન જવેલરી 2.095 કીલો મુદ્દામાલ રીકવર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગતો એવી હતી કે, લીમડીના જનશાળીના પાટિયા નજીક હાઈવે પર ગત તા-6 માર્ચના લૂટનો બનાવ બન્યો હતો. જેમાં રાત્રીના સમયે એચ.એલ કંપનીની બોલેરો બંધ બોડીની પીકપ ગાડીમાં ઇમીટેશન જવેલરી તથા ચાંદીના પાર્સલો લઇ અમદાવાદથી રાજકોટ લઈ જવાતા હતા. તે દરમિયાન જનસાળી ગામના બોર્ડથી આગળ આવેલા એચ.પી.પેટ્રોલ પમ્પની પાસે પહોચતા અજાણ્યા 7થી 8 આરોપીઓએ ગુનાઈત કાવતરૂ રચી, બે કારમાં આવી, બોલેરો જીપને ઓવરટેક કરી ડ્રાઇવર સાઇડમાં આગળના ભાગે કાર અથડાવી હતી. અને બોલેરો જીપ ઉભી રખાવી હતી. જેમાં આરોપીઓએ ફરીયાદીના બોલેરો ગાડીની બંને સાઇડે ઉભા રહી, તંમચો કાઢીને ફરીયાદીના માથાના ભાગે તથા મોઢા ઉપર મુંઢ ઇજા કરી ફરીયાદી તથા ક્લિનરને બોલેરો પીકપ ગાડીમાથી નીચે ઉતારી, બોલેરો જીપનું પાછળના ડોરનું તાળુ તોડી, ઇમીટેશન તથા 47.82 લાખની ચાંદીની લૂંટ કરી હતી
જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવતા જે દરમિયાન હકીકત મળી હતી કે, ધર્મેશ ઉર્ફે ધમો ગણેશભાઈ ઝીંઝુવાડીયા ( રહે-શ્રધ્ધા હોટલ સામે, સુરેન્દ્રનગરવાળો ) આ ગુનામાં સંડોવાયેલો છે અને હાલે તેના ઘરે હાજર છે. જેથી પેરોલ પીએસઆઇ જે.વાય. પઠાણે તથા તેમની ટીમ દ્વારા તાત્કાલીક આરોપીના ઘરે જઈ આરોપીને રાઉન્ડઅપ કરી તેના ઘરની ઝડતી કરતા તેના ઘરેથી ધાડમાં ગયેલી ચાંદી 18 કીલો 355 ગ્રામ કી.રૂ. 12,84,850 મળી આવી હતી. તેમજ આ ગુનામાં ઉપયોગ લીધેલી મારૂતી સ્વીફટ ગાડી GJ-13-KR-2115વાળી પણ મળી આવતા જેની અંગઝડતી કરતા ગાડીમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો તથા એક જીવતો કાર્ટીસ મળી આવતા જે તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્ય શખસોને દબોચી લેવાયા હતા.