Site icon Revoi.in

મુંબઈના બોરીવલી પશ્ચિમમાં 4 માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળમાં 15 લોક દટાયાની આશંકા

Social Share

મુંબઈઃ શહેરના બોરીવલી-પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોરીવલીના સાંઈબાબાનગરમાં ચાર માળની ઈમારત ધડાકા સાથે ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ટીમ અને પોલીસ પહોંચી ગઈ હતી, જેમાં 14થી 15 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઈમારત 40 વર્ષ જૂની હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, મુંબઈના બોરીવલી-પશ્ચિમ વિસ્તારમાં સાંઈબાબાનગરમાં ચારમાળની 40 વર્ષ જુની ઈમારત  ધરાશાયી થઈ ગઈ હતી. આ ઈમારતનું નામ ગીતાંજલિ છે. ફાયરબ્રિગેડની આઠ ગાડી, બે બચાવ વાન અને ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર હતી. ટીમ રાહત અને બચાવ કાર્યમાં વ્યસ્ત બન્યા હતા. મ્યુનિના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઈમારત 40 વર્ષ જૂની છે. BMCએ તેને જર્જરિત જાહેર કર્યું હતું. આ પછી બિલ્ડિંગને પણ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરી મંબઈમાં અનેક ઈમારતો વર્ષો જુની છે. અને ચોમાસામાં જર્જરિત ઈમારતો ધરાશી બનવાની ઘટનાઓ બનતી હોય છે. આ પહેલાં 15 ઓગસ્ટના રોજ મુંબઈના મુલુંડ વિસ્તારમાં એક ઘરની છતનો ભાગ તૂટી પડ્યો હતો, જેને કારણે કાટમાળ નીચે દબાઈને બે લોકોનાં મોત થયાં હતાં. આ ઈમારત લગભગ 20-25 વર્ષ જૂની હતી અને BMCએ તેના સંબંધમાં નોટિસ જારી કરી હતી. બે મહિના પહેલાં મુંબઈના કુર્લા-ઈસ્ટના નાઈકનગરમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં 19 લોકોનાં મોત થયાં હતાં અને 15 લોકો ઘાયલ થયા હતા. આ ઈમારતને અગાઉ ‘જર્જરિત’ જાહેર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં એને ‘સમારકામ યોગ્ય’ જાહેર કરવામાં આવી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, નોટિસ બાદ પણ લોકો એમાં રહેતા હતા.