વડોદરાના દીવેર ગામ પાસે નર્મદા નદીમાં નાહવા પડેલા 4 કિશોર તણાયા, એકનો બચાવ, 3 લાપત્તા
વડોદરાઃ જિલ્લાના શિનોર તાલુકાના ભદારી ગામમાં બેસતા વર્ષના દિને ગામના 6 કિશોર નર્મદા નદીમાં નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ફોટોગ્રાફી અને નાહવા માટે ગયા હતા. જેમાં 6 કિશોર પૈકી 4 કિશોર નાહવા પડ્યા હતા, જ્યારે બે કિશોરને તરતા આવડતું ન હોવાથી તેઓ નદી કિનારે ફોટોગ્રાફી કરી રહ્યા હતા. દરમિયાન નાહવા પડેલા 4 યુવાન નદીના વહેણમાં તણાવા લાગ્યા હતા, જેમાં 1 કિશોર તરીને બહાર આવી ગયો હતો, જ્યારે અન્ય 3 નર્મદાના ધસમસતા વહેણમાં તણાય જતાં લાપત્તા થઇ ગયા હતા. મંગળવારે સમી સાંજે ડૂબેલા 3 કિશોરની 15 કલાકથી કરજણ ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી તેમનો પત્તો મળ્યો નથી. લાપત્તા થયેલા 3 પૈકી બે કિશોર પરિવારના એકના એક પુત્ર છે. આ બનાવથી ભદારી ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, વડોદરાના શિનોર તાલુકાના ભદારી ગામના ટાંકીવાળા ફળિયામાં કિસન લાલાભાઈ વસાવા (ઉં.વ.15), અક્ષય રમેશભાઈ વસાવા (ઉં.વ.15) અને સોહિલ જયંતીભાઈ વસાવા (ઉં.વ.14) દીવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ડૂબી જતાં લાપત્તા થતાં તેમની કરજણ ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. 15 કલાકથી ચાલી રહેલી શોધખોળ છતાં ત્રણે કિશોરોનો પત્તો ન મળતાં વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બુધવારે સવારે વડોદરા ફાયરબ્રિગેડની એક ટીમ દિવેર જવા માટે રવાના થઇ હતી.
શિનોર પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે શિનોર તાલુકાના ભદારી ગામના ટાંકીવાળા ફળિયામાં રહેતા કિસન વસાવા, અક્ષય વસાવા, સોહિલ વસાવા, અનિલ રાજુભાઈ વસાવા, સુભાષ વિષ્ણુભાઈ પાટણવાડિયા અને વિશાલ મોહનભાઈ વસાવા આ તમામ કિશોરો નવા વર્ષે દિવેર ગામ પાસે નર્મદા નદીના કિનારે ફોટોગ્રાફી કરવા અને નાહવા માટે ગયા હતા. નદીમાં નાહવા જતાં પહેલાં તમામ 6 કિશોર મિત્રોએ સેલ્ફી તેમજ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી હતી. દરમિયાન 6 કિશોર પૈકી કિસન વસાવા, અક્ષય વસાવા, સોહિલ વસાવા અને અનિલ વસાવા નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા, જ્યારે સુભાષ પાટણવાડિયા અને વિશાલ વસાવાને તરતા આવડતું ન હોવાથી તેઓ નાહવા ગયા ન હતા અને નદી કિનારે ઊભા રહી ફોટોગ્રાફી કરી રહ્યા હતા. દરમિયાન નર્મદા નદીમાં નાહવા પડેલા 4 કિશોર તણાવા લાગ્યા હતા. તેમણે બચાવો…બચાવો…ની ચીસો પાડી હતી, પરંતુ તેમને મદદ મળી ન હતી. જોકે અનિલ રાજુભાઈ વસાવા મોતને માત આપી તરીને કિનારા પર આવી ગયો હતો, પરંતુ કિસન, અક્ષય અને સોહિલ નદીના ધસમસતા વહેણમાં લાપત્તા થઇ ગયા હતા. આ બનાવની નર્મદા કિનારે ઊભેલા સુભાષ પાટણવાડિયા અને વિશાલ વસાવાએ સંબંધિતને જાણ કરતાં પરિવારજનો દોડી આવ્યાં હતાં. એ સાથે શિનોર પોલીસ મથકને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો.. આ અંગેની જાણ કરાતા કરજણ ફાયરબ્રિગેડને કરતાં લાશ્કરો દોડી આવ્યા હતા.