રાજકોટઃ શહેરમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીની બનાવટ અને વેચાણ સામે મ્યુનિ.ના આરોગ્ય વિભાગે ઝૂંબેશ આદરી છે. જેમાં શહેરના ચુનારાવાડ ચોક નજીક આવેલી દાબેલા ચણા બનાવતી ફેક્ટરીમાં મોટાપાયે ભેળસેળનો પર્દાફાશ કરાયો છે. ફેકટરીમાં જીવાત તેમજ ફૂગવાળા ચણામાંથી દાજીયા તેલ વડે દાબેલા ચણા બનાવવામાં આવતા હોવાનું જોવા મળતા આરોગ્ય અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા 4 ટન જેટલો કાચોમાલ, 600 કિલો જેટલા તૈયાર ચણાનો અને અંદાજે 100 કિલો દાજીયા તેલનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ વેપારીને હાઇજેનિક કંડીશન જાળવવા સહિતની બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમીના આધારે છેલ્લા કેટલાક દિવસથી ચુનારાવાડ ચોકમાં દાબેલા ચણાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઉપર વોચ રાખવામાં આવી રહી હતી. અને ગુરૂવારે બપોર બાદ દરોડો પાડતા 4 ટનથી વધુ ચણાનો જથ્થો જમીન પર પડેલો હતો અને તેમાં જીવાત તેમજ ફૂગ વળેલી જોવા મળી હતી. તેમજ તૈયાર માલ પણ જમીન ઉપર રાખેલો હતો. કોઈપણ જાતની સ્વચ્છતા રાખવામાં આવતી નહતી. તેમજ દાજીયા તેલનો ઉપયોગ થતો જોવા મળ્યો હતો. આમ લોકોના આરોગ્ય સાથે જોખમી હોય એવા દાબેલા ચણા બનાવવામાં આવતા હતા. આ પ્રકારના ચણાનો ખાવામાં ઉપયોગ કરવાથી લોકોને પેટના રોગો તેમજ ઝાડા-ઊલટી સહિતના પ્રશ્નો થવાની સંભાવના રહેલી છે. જેને પગલે અહીં અન હાઇજેનિક રીતે રાખેલા 4 ટન જેટલા ચણા, 600 કિલો જેટલા દાબેલા ચણા તેમજ અંદાજે 100 કિલો જેટલા દાજીયા તેલનો પણ સ્થળ ઉપર નાશ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ પેઢીને હાઇજેનિક કંડીશન જાળવવા સહિત વિવિધ બાબતે નોટિસ ફટકારી નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ શહેરમાં રોગચાળો વકર્યો છે. જેને લઈને મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા માટે સતત દરોડાનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. તાજેતરમાં રાજકોટની પ્રખ્યાત ભારત બેકરીમાં દરોડો પાડ્યાં બાદ ચુનારાવાડ ચોક ખાતે દાબેલા ચણા બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં અત્યંત ખરાબ રીતે આ ચણાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.