- સ્વિફ્ટ કાર ડિવાઈડર કૂદી બોલેરો કાર સાથે ટકરાઈ,
- ગોંડલના બે અને ધોરાજીના બે યુવાનો મોતને ભેટ્યા,
- પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગયા
રાજકોટઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાત્રે ગોંડલ હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર યુવાનોનો ભાગ લેવાયો હતો. ગોંડ હાઈવે પર દેવ સ્ટીલના કારખાના પાસે પુરફાટ ઝડપે સ્વિફ્ટકાર ડિવાઈડર કૂદીને ધડાકા સાથે બોલેરો કાર સાથે અથડાઈ હતી,
ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા દેવ સ્ટીલ નજીક વહેલી પરોઢે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર રાજકોટથી ધોરાજી તરફ જતી હતી. તે દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર ઠેકી સામેથી આવતી બોલેરો કારને અડફેટે લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગોંડલના 2 યુવાનો અને ધોરાજીના 2 યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. સમગ્ર બનાવને લઈને 4 જેટલી એમ્બ્યુલન્સ અને LCB સહિત શહેર પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા.
રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. ત્યારે અનેક નાના-મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે. હાલ વરસાદને કારણે હાઈવે પર ઠેર ઠેર ખાડાં જોવા મળી રહ્યા છે. જેને લીધે અનેક અકસ્માતો થઈ રહ્યા છે, ત્યારે આજે વહેલી પરોઢે પોણા ચાર આસપાસ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર દેવ સ્ટીલ નજીક બોલેરો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્વિફ્ટ કાર GJ.03 LG.5119 રાજકોટ તરફથી ધોરાજી તરફ જઈ રહી હતી ત્યારે સ્વિફ્ટ કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર ઠેકી ગોંડલની સાંઢિયા પુલ ચોકડીથી ગુંદાળા ચોકડી તરફ જતી બોલેરો કાર GJ.03 ML.2444 સામે અથડાતા બોલેરો અને સ્વિફ્ટ કાર પલટી ગયા હતા.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ સ્વિફ્ટ કારચાલકની સ્પીડ વધારે હોવાથી સ્વિફ્ટ કાર ડિવાઈડર ઠેકી બોલેરો કારની ઉપર પડ્યા બાદ બોલેરો કાર પલટી મારી હતી. ત્યાર બાદ સ્વિફ્ટ કાર આશરે 20 ફૂટ જેટલી પલટી (ગોથાં) મારી હતી. જેથી સ્વિફ્ટ કારમાંથી એન્જિન છૂટું પડી ગયું હતું અને સ્વિફ્ટ કાર ટોટલ લોસ થઈ જવા પામી હતી. અકસ્માતના કારણે બે 108, નગરપાલિકા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
#GondalAccident | #SwiftVsBolero | #RoadAccident | #YouthCasualties | #RajkotNews | #NationalHighwayAccident | #EmergencyResponse | #TrafficSafety