Site icon Revoi.in

પાલનપુરના બાલારામ અને લખતરના ઢાંકી ગામે ડૂબી જવાના બે બનાવોમાં 4 યુવાનોના મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં જુન-જુલાઈ દરમિયાન પડેલા સારા વરસાદને કારણે નદી.નાળાં, અને તળાવો ભરાયેલા હોવાથી લોકોના નાહવા પડતા ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. તાજેતરમાં ડુબી જવાના બે બનાવોમાં ચાર યુવાનોના મોત નિપજ્યા હતા. જેમાં પાલનપુર નજીક આવેલા બાલારામ નદીમાં બે યુવકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. બાલારામ મંદિર નજીકથી પસાર થતી બાલારામ નદીમાં બે યુવકો નાહવા પડ્યા હતા. જોકે, બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થતા ડુબી ગયા હતા. જેથી બન્નેના મોત થયા હતા. જ્યારે બીજા બનાવમાં  સુરેન્દ્રનગર લખતર તાલુકાના ઢાંકી ગામની તલાવડી નજીક ઢોર ચરાવવા ગયેલાં બે ભાઈ ડૂબી જતાં તેમના મોત થયા હતા.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઢાંકી ગામ નજીક સિદ્ધરાજ સભાડ(ઉ.વ22) અને વિનેશ સભાડ (ઉ.વ. 16) નામના બે ભાઈઓ વગડિયાની સીમમાં ઢોર ચરાવવા માટે ગયા હતા. બંને ભાઈ મોડે સુધી ઘરે ના આવતા પરિજનોએ તેમને ફોન કર્યો હતો પણ ફોન ઉપાડ્યો નહોતો. આ પછી તેમની તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન બન્ને ખેત તલાવડીમાં ડૂબી ગયા હોવાની માહિતી મળી હતી. બન્ને ભાઈઓની તપાસ કરતાં તેમના મૃતદેહ ખેત તલાવડીમાંથી મળી આવ્યા હતાં. આમ રક્ષાબંધનના આગલા દિવસે બે ભાઈઓના મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતું.

ડુબી જવાથી મોત થયાનો બીજો બનાવ બાલારામ નજીક બન્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા બાલારામ મંદિર નજીકથી બાલારામ નદી પસાર થાય છે, ત્યારે મંદિરના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ વિસ્તારમાં ફરવા માટે આવેલા બે યુવાનો બાલારામ નદીમાં નાહવા પડતા બન્ને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. બંને યુવકો પાણીમાં ડૂબી જતા મોત થયા હતા. આ બનાવની જાણ થતાં સ્થાનિકો લોકો દોડી આવ્યા હતા. બન્ને યુવકોને  મૃત હાલતમાં બહાર કાઢ્યા હતા. જે બાદ પોલીસને જાણ થતા પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બંને યુવકો ડીસાના હુસેનચોક વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.