Site icon Revoi.in

જુનાગઢમાં ભાખરવડ ડેમમાં સેલ્ફી લેવાના ચક્કરમાં 4 યુવાનો ડૂબ્યા, એક યુવતી સહિત ત્રણના મોત

Social Share

 જૂનાગઢઃ મકરસંક્રાંતિનો તહેવારના દિને જુનાગઢના માળિયાહાટિના તાલુકાના ભાખરવડ ડેમમાં સેલ્ફી લેવા જતા ચાર યુવાનો ડેમમાં પડતા ડૂબ્યા હતા, જેમાં 3 યુવાનોનાં કરૂણ મોત નિપજ્યા હતા. આ બનાવથી ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા ભાખરવડ ડેમ પર સેલ્ફી લેવા ગયેલા ત્રણ યુવાનો સહિત એક યુવતી પાણીમાં ડૂબી ગયા હતા. એક યુવતી તેમજ ત્રણ યુવકો મકરસંક્રાંતિની રજાઓને લઈ ભાખરવડ ડેમ પર ફરવા ગયા હતા. આ દરમિયાન ડેમ પર સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતા તે ડૂબ્યો હતો. જેને બચાવવા જતા અન્ય ત્રણ પણ ડૂબ્યા હતા. આ ઘટનાની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ત્રણ યુવાનોને તરવૈયાઓ અને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક યુવતી અને બે યુવકોના મોત થયા હતા. જ્યારે એક યુવક હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એક યુવક અને યુવતી કેશોદ તાલુકાના થલી ગામના રહેવાસી હતા. જેઓ સગા ભાઈ-બહેન છે, જેઓનું ડુબી જવાથી મોત થયું છે. હેતલબેન તેમજ જીતેન્દ્રગીરી નામના ભાઈ-બહેનનું મોત થયું છે. તેમજ માળિયા હાટીના તાલુકાના બુધેચા ગામના બે સગા ભાઈઓ પણ ડુબ્યા હતા. જેમાંથી દીનેશપરી નામના યુવકનું મોત થયું છે. જ્યારે ચેતનપરી નામનો યુવક હાલ સારવાર હેઠળ છે. આમ એક જ પરિવારમાં ભાઈ બહેન અને બીજા પરિવારમાં પૂત્રનું મોત થતાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. યુવાનો મકરસંક્રાતિની રજામાં ભાખરવડ ડેમ વિસ્તારમાં ફરવા માટે ગયા હતા જ્યાં સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. (file photo)