Site icon Revoi.in

ગુજરાતમાં 40.26 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર, બિયારણનો પુરતો જથ્થો ઉપલબ્ધ

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતિ વિશે પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તા. 10 જૂલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો છે, જે સરેરેશ વરસાદના 25.30% છે. જેમાં રાજ્યના 89 તાલુકાઓમાં 51થી 125 મી.મી., 82 તાલુકાઓમાં 126થી 250 મી.મી., 54 તાલુકાઓમાં 251 થી 500 મી.મી. જ્યારે 24 તાલુકાઓમાં 501 થી 1000 મી.મી. વરસાદ નોંધાયો છે.

કૃષિ પાકોની વાવેતરની સ્થિતિ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે,ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે, 47.04 ટકા જમીનમાં વાવેતર થયું છે. જેમાં મગફળીના પાકનું 14.09 લાખ હેક્ટરમાં, કપાસનું 18.60 લાખ હેક્ટરમાં, તેલીબીયાનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ચાલુ ખરીફ ઋતુમાં વિવિધ પાકોની વાવેતરમાં વધારા સહ વેગ આવવાની પુરતી સંભાવવા છે. આ વખતે તેલીબિયાનું પણ સારૂએવું વાવેતર થયું છે. ખેડુતો વાવાણી કાર્યમાં જોતરાયા છે.

બિયારણના જથ્થા વિશે મંત્રીએ જણાવ્યું હતું કે, ખરીફ 2024 ઋતુમાં મુખ્ય પાકો જેવા કે,  ડાંગર, મકાઈ,બાજરા, મગ, અડદ, તુવેર,મગફળી, તલ, દિવેલા, સોયાબીન અને કપાસ જેવા પાકોની કુલ 13,20, 240 ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં 15,45,065 ક્વિન્ટલ બિયારણનો જથ્થો  ઉપલબ્ધ છે.  આમ આ સીઝન માટે વાવેતર હેતુ બિયારણનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે,  તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.