Site icon Revoi.in

ગાંધીનગરમાં કોમર્શિયલ એકમોની 25000 મિલક્ત ધારકોનો 40.41 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી

Social Share

ગાંધીનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં પ્રોપર્ટી ટેક્સમાં વળતરની યોજનાની જાહેરાત બાદ પણ ઘણાબધા પ્રોપર્ટીધારકો ટેક્સ ભરવામાં આળસ દાખવી રહ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એડવાન્સ મિલકતવેરા પર 10 ટકા વળતરની યોજના 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.  શહેરમાં અત્યાર સુધી 49 હજાર જેટલા મિલકતધારકોએ 27 કરોડ જેટલો વેરો ભર્યો છે. મ્યુનિ.દ્વારા  મિલકતવેરાના 1.78 લાખ જેટલા બિલ જનરેટ કરાયા હતા. જેમાં કોર્પોરેશનનું 80 કરોડ જેટલું માંગણુ હતું. જેમાંથી 49 હજાર જેટલા મિલકધારકોએ વેરો ભરતા હજુ પણ સવા લાખ જેટલા મિલકતધારકોને વેરો ભરવાનો બાકી છે. તેમાં પણ કોમર્શિયલ એકમોમાં 25 હજાર મિલકત ધારકોનો 40.41 કરોડ જેટલો વેરો બાકી છે. વળતર યોજના પૂર્ણ થયા બાદ મ્યુનિ.દ્વારા સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં અનેક પ્રોપર્ટીધારકોનો વર્ષોનો ટેક્સ બાકી છે. જેમાં વિવિધ કોમર્શિયલ બિલ્ડિંગોમાં  25000 મિલક્ત ધારકોનો 40.41 કરોડ જેટલો વેરો બાકી છે. આવા એકમોમાં ઓદ્યોગિક એકમો, શૈક્ષણિક સંકુલ, બિઝનેશ હબ સહિતનો સમાવેશ થાય છે. જેમાં અનેક બાકીદારોનો પ્રોપર્ટી ટેક્સ 1 લાખથી વધુ થાય છે.  મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 30 જૂન સુધી મિલકત વેરો ભરનારા નાગરિકને 10 ટકા વળતર અને ઓનલાઈન વેરો ભરવા પર વધુ 2 ટકા લાભ આપવામાં આવી રહ્યો છે. વળતરની યોજના બાદ મ્યુનિ. દ્વારા બાકી ટેક્સધારકોને  બે રૂપિયા નોટિસ ફી તથા 18 ટકાના સાદા વ્યાજ સાથે વેરાની વસૂલાત કરવામાં આવશે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનને નાણાકીય વર્ષ 2022-23માં પ્રોપર્ટી ટેક્સમાંથી 52.84 કરોડની આવક થઈ હતી, જેમાં 89,593 મિલકતધારકોએ વેરો ભર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં હજુ પણ અનેક વિસ્તારમાં તેમાપણ ખાસ કરીને દક્ષિણ ઝોનમાં બિલ વિતરણની કામગીરી ચાલી રહી છે. બિલ વિતરણમાં મોડું થતાં નાગરિકોને પરેશાની સાથે તંત્રને આવકમાં ફટકો પડી રહ્યો છે. હાલની સ્થિતિએ એક બેંકની સીએસઆર એક્ટિવિટી હેઠળ મ્યુનિ.ને  બિલ વિતરણની સેવા મળી છે. ધરમની ગાયના દાંત ન જોવાય તેવી સ્થિતિમાં તંત્ર પણ વિતરણ મુદ્દે સુચના વધુ કડક હાથે કામગીરી કરી શકતું નથી. જેને પગલે આગામી નાણાકીય વર્ષથી તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડીને જ કામગીરી કરાવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાડા આઠ હજાર જેટલા બિલો વોટ્સએપ મારફતે પણ નાગરિકોને મોકલી અપાયા છે. ત્યારે આગામી નાણાકીય વર્ષથી મ્યુનિ.દ્વારા  ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. જેમાં એપ્લીકેશન તૈયાર કરવાથી લઇને તેમાં ઘર નંબર એન્ટર કરવાથી બાકી વેરાની રકમ તેમજ પેમેન્ટનું ઓપ્શન પણ હોય તથા તાત્કાલિક યુપીઆઇ, ડેબિટ- ક્રેડિટ કાર્ડ સાથે પેમેન્ટ થઇ શકે તેવી વ્યવસ્થા વિચારવામાં આવી છે. જેમાં દરેક પ્રોપર્ટીધારકના વોટ્સએપ પર બિલ પહોંચતુ થઇ જાય અને તેની સાથેની લિંક પરથી ઓનલાઇન પેમેન્ટ કરી શકાય તેવી પણ સુવિધા ઉભી કરવાનું આયોજન છે.