નવી દિલ્હીઃ નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ રાજ્ય કડુનામાં આ સપ્તાહની શરૂઆતમાં બસ-ટ્રકની અથડામણમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હોવાની વિગત છે. નાઇજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુના પ્રવક્તા બાયો ઓનાનુગાએ જણાવ્યું હતું. પ્રવક્તાએ રાષ્ટ્રપતિને ટાંકીને જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું, કે રવિવારે ધાર્મિક સમારોહ દરમિયાન કડુનાના સમીનાકા શહેરમાં બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસ સવારો દેશના ઉત્તર-મધ્ય રાજ્યના ક્વાંડારી શહેરથી આવી રહ્યા હતા. તે સમયે તેમની બસને અકસ્માત નડ્યો હતો.
રાષ્ટ્રપતિના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટીનુબુએ મૃતકો અને ઘાયલોના પરિવારો અને કડુના અને આસપાસના રાજ્યોની સરકારો આ ઘટનાના ભોગ બનેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.” તેમણે એમ પણ કહ્યું કે નાઇજિરિયન નેતાએ ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સ (FRSC) ને હાઇવે સર્વેલન્સમાં સુધારો કરવા અને સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે પણ નિર્દેશ આપ્યો છે. નાઈજીરિયન ટ્રાફિક પોલીસ (FRSC) એ ઘટના પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અકસ્માત સમયે બસમાં ઓછામાં ઓછા 63 લોકો હાજર હતા.