સુરેન્દ્રનગરઃ ઝાલાવાડના મુખ્ય શહેર અને જિલ્લા મથક એવા સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરીને સંયુકત પાલિકા જાહેર કર્યાને એક વર્ષનો સમય થઇ ગયો છે. હાલ નવી સંયુકત પાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. બંને પાલિકા એક કરીને વિકાસની વાતો કરવામાં આવી હતી પરંતુ બેમાંથી એક પાલિકા કરવામાં આવતા શહેરના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતી રૂ.40 લાખની ગ્રાન્ટમાં ઘટાડો થયાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. સુરેન્દ્રનગર અને વઢવાણ બંને જોડિયા શહેરો છે. છતા સુરેન્દ્રનગર અને વઢવાણ બંને પાલિકા અલગ અલગ હતી. અને ગ્રાન્ટ અલગ અલગ ફાળવવામાં વતી હતી. હવે બન્ને શહેરોની સંયુક્ત પાલિકા બનતા ગ્રાન્ટમાં સારોએવો ઘટાડો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા પાલિકાની વસતી અને વોર્ડને આધારે એ, બી, સી અને ડી એમ કુલ અલગ અલગ 4 ગ્રેડમાં પાલિકા જાહેર કરવામાં આવે છે. જેમાં સુરેન્દ્રનરગ એ ગ્રેડની અને વઢવાણ બી ગ્રેડની પાલિકા હતી. સરકાર દર વર્ષે પાલિકાના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવણી કરે છે. જેમાં એ ગ્રેડની સુરેન્દ્રનગર પાલિકાને રૂ.75 લાખ અને બી ગ્રેડની વઢવાણને રૂ.40 લાખની ફાળવણી કરવામાં આવતી હતી. આ રકમમાંથી શહેરીજનોની સુખાકારી માટે કામો કરવામાં આવતા હતા. પરંતુ તાજેતરમાં બંને પાલિકાને એક કરીને સંયુકત પાલિકા બનાવી છે. ત્યારે સરકારે સંયુકત પાલિકાને એ ગ્રેડની ગણીને રૂ.75 લાખની ગ્રાન્ટ ફાળવી છે. જયારે વઢવાણનું સુરેન્દ્રનગરમાં વિલીની કરણ કરતા તેને આપવામાં આવતી રૂ.40 લાખની ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. 5 વર્ષનો હિસાબ કરીએ તો રૂ.2 કરોડની ગ્રાન્ટ ઘટી જશે. જેને કારણે શહેરના વિકાસ ઉપર માઠી અસર થઇ શકે તેમ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સુરેન્દ્રનગર શહેર પહેલા કેમ્પ સ્ટેશન હતું. ધીરે ધીરે વસતી વધતી ગઇ, ધંધા રોજગાર પણ સ્થપાવા લાગ્યા. 1949માં સુરેન્દ્રનગરની સાથે રતનપર અને જોરાવરનગરને એક કરીને પાલિકાનો દરજજો આપ્યો હતો. થોડા વર્ષો બાદ દૂધરેજને પણ પાલિકામાં ભેળવી દેવાઈ. 22 જૂન 2020માં વઢવાણ પાલિકાને સુરેન્દ્રનગરમાં જોડીને સંયુકત પાલિકા બનાવી દીધી હતી. દરમિયાન પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે,
સંયુકત પાલિકા જાહેર થતા વઢવાણની જે ગ્રાન્ટ નથી આવતી તે ગ્રાન્ટની ફાળવણી માટે અમદાવાદ ઝોન પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરાઈ છે. તેઓ પણ હકારત્ક વિચારી રહ્યા છે. આગામી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરાશે.