Site icon Revoi.in

અમદાવાદ-દીયોદર જતી એસ.ટી બસમાં મધરાતે ડીઝલ ખુટતા 40 મુસાફરો રઝળ્યાં

Social Share

પાટણઃ એસટી બસમાં મુસાફરી કરતા હોય ત્યારે મધરાતે વેરાન રસ્તા પર બસ ઊભી રાખીને બસનો ડ્રાઈવર કહે કે, બસમાં ડિઝલ નથી. બસ હવે આગળ નહીં જાય ત્યારે પ્રવાસીઓની સ્થિતિ કફોડી બનતી હોય છે. પાટણ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં આવો બનાવ બન્યો હતો.  જિલ્લાનાં સરસ્વતી તાલુકાના નાયતા અને રખાવના રસ્તા પર મોડી રાત્રે પસાર થતી અમદાવાદ- દિયોદર એસ.ટી બસમાં ડીઝલ ખુટી પડતા રાતના અંધારામાં મુસાફરોને હેરાનગતિ ભોગવવી પડી હતી. કેટલાક મુસાફરોએ ખાનગી વાહનોનો સહારો લઈ પોતાના સ્થાન પર પહોચ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી દિયોદર તરફ જતી એસ ટી બસ પાટણ જિલ્લાનાં સરસ્વતી તાલુકાના નાયતા અને રખાવ વચ્ચે માર્ગ પરથી મોડી રાત્રે પસાર થઈ રહી હતી. ત્યારે એસ.ટી બસમાં ડીઝલ ખુટતા એસ.ટી બસ રોડ વચ્ચે ઉભી કરવાની ચાલકને ફરજ પડી હતી. મોડી રાત્રે સુમસામ માર્ગે ડીઝલ ખૂટી જવાને કારણે બંધ પડેલી બસમાં મુસાફરી કરતા 40 જેટલા પેસેન્જરોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.  કેટલાક મુસાફરોએ પોતાના પરિવાર સાથે ખાનગી વાહનનો સહારો મેળવી પોતાના સ્થાને પહોંચવાની ફરજ પડી હતી. અમદાવાદથી દિયોદર જઈ રહેલી બસના ચાલકની ફરજ આવે છે કે તેને બસમાં ડીઝલ છે કે નહીં તેની તપાસ કરીને રૂટ ઉપર નિકળવું જોઈએ. પરંતુ ડ્રાઈવરની નિષ્ક્રિયતાનો ભોગ મુસાફરો બનતાં તેઓમાં એસ.ટી બસનાં ડ્રાઇવર સામે રોષ જોવા મળ્યો હતો.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ દીયોદર એસટી બસ નાયતા પાસે રાતના અંધારામાં ડીઝલના વાંકે બંધ પડી હતી. રાત્રે આ રોડ પર ટ્રાફિક પણ નહીવત રહેતો હોય છે. એટલે મુસાફરોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.