Site icon Revoi.in

સંસદમાં TMCની 40% મહિલાઓ, મહિલા અનામતને લઈને બાકીની પોલિટિકલ પાર્ટીઓ કરી રહી છે પાખંડ

Social Share

નવી દિલ્હી : મહિલા અનામતને લઈને દેશની લગભગ તમામ પાર્ટીઓ પાખંડ કરી રહી છે. સૌથી મોટો પાખંડ આંકડા પ્રમાણે ભાજપ કરી રહ્યું છે. ભાજપે નારી શક્તિ વંદન નામથી મહિલા અનામત બિલ પારીત કરાવ્યું છે. પરંતુ ન તો પાર્ટીના સંગઠનમાં મહિલાઓને ખાસ જવાબદારી આપવામાં આવી છે અને ન ચૂંટણીમાં 10-15 ટકાથી વધારે ટિકિટ મહિલાઓને અપાય છે. કોંગ્રેસ પણ દશકાઓથી આ પાખંડ કરી રહી છે કે તે મહિલા અનામતના પક્ષમાં છે. સોનિયા ગાંધીના 20 વર્ષ સુધી અધ્યક્ષ રહેવા છતાં કોંગ્રેસ ન તો સંસદમાં અને ન તો રાજ્યોની વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારી શકી છે. દેશમાં માત્ર બે પાર્ટીઓ એવી છે કે જેમણે મહિલા અનામત વગર જ મહિલાઓનું પ્રતિનિધિત્વ વધાર્યું છે. આવી એક પાર્ટી છે, ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની બીજૂ જનતાદળ અને બીજી પાર્ટી છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ.

મમતા બેનર્જીએ તો નવીન પટનાયકથી પણ આગળ વધીને સંસદના બંને ગૃહોમાં મહિલાઓના પ્રતિનિધિત્વને વધાર્યું છે. તેમણે એ સુનિશ્ચિત કર્યું છે કે સંસદના બંને ગૃહોમાં ટીએમસીના સાંસદોની સંખ્યા 40 ટકા હોય. ધ્યાન રહે મહિલા અનામત બિલમાં 33 ટકા પ્રતિનિધિત્વની વાત કહેવામાં આવી છે. મમતા બેનર્જીએ આ વર્ષે રાજ્યસભાના દ્વિવાર્ષિક ઈલેક્શનમાં ચાર ઉમેદવારો ઘોષિત કર્યા છે અને તેમાંથી ત્રણ મહિલા ઉમેદવારો સુષ્મિતા દેવ, સાગરિકા ઘોષણ અને મમતા બાલા ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે.

ચૂંટણી બાદ રાજ્યસભામાં ટીએમસીના મહિલા સાંસદોની સંખ્યા વધીને પાંચ થઈ જશે. રાજ્યસભામાં ટીએમસીના 13માંથી પાંચ મહિલા સાંસદો હશે.

તેવી જ રીતે લોકસભાની ગત ચૂંટણીમાં મમતા બેનર્જીએ 40 ટકાથી વધુ મહિલાઓને ટિકિટ આપી હતી અને ત્યારે પરિણામ બહુ સારા નહીં આવવા છતાં લોકસભામાં પાર્ટીના 23 સાંસદોમાંથી 41 ટકા મહિલાઓ છે.