અમદાવાદઃ શહેરમાં વર્ષો જુની ડ્રનેજ લાઈનને લીધે ચોમાસા દરમિયાન રોડ પર ભૂવા પડવાના બનાવો વધુ બનતા હોય છે. અને ભૂવાના મરામત માટે મ્યુનિ.નો લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આથી 40થી 50 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનના સમારકામ માટે રૂપિયા 237 કરોડના કામની દરખાસ્તને મંજુરી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં 40 થી 50 વર્ષ જૂની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનો ખરાબ થયેલી હોવાના કારણે ચોમાસામાં વારંવાર ભુવા પડતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભુવા પડવાની ઘટનાઓને અટકાવવા માટે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં કુલ 17 કિલોમીટરની વિવિધ સાત જેટલી મોટી ડ્રેનેજ લાઈનોને રિહેબ કરી સમારકામ કરવા અંગેનો નિર્ણય લીધો છે. સોમવારે મળેલી વોટર સપ્લાય કમિટીમાં પૂર્વ વિસ્તારની છ અને પશ્ચિમની ડ્રેનેજ લાઈનોને રૂ. 237 કરોડના ખર્ચે રિહેબ કરવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
એએમસીના વોટર સપ્લાય કમિટીના ડેપ્યુટી ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન અનેક વિસ્તારોમાં ભુવા પડવાની પરિસ્થિતિ ઉભી થતી હોય છે શહેરમાં 40 વર્ષથી વધુ જૂની ડ્રેનેજ લાઈનો આવેલી છે. જેના કારણે તેને રિહેબ કરવા માટે વોટર સપ્લાય કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. કેન્દ્ર સરકારની સ્કીમ અમૃત-2 અંર્તગત સ્ટેટ વોટર એક્શન પ્લાન -2 (SWAP-21) પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની જુદા જુદા ઝોનમાં અંદાજિત 17 કિલોમીટર લાંબી 1400 થી 1800 mm ડાયામીટરની મેઇન ટ્રેન્ડ લાઇન રીહેબીલીટેશન કરવામાં આવશે. જેની પાછળ કુલ રૂ. 237 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, શહેરમાં મ્યુનિ, દ્વારા વર્ષો જુની ડ્રેનેજ લાઈનોના સમારકામ માટે જે ખર્ચ કરવામાં આવશે જેમાં જશોદાનગરથી નારોલ કોઝી હોટલ – 60.73 કરોડ, શ્યામશિખર ચાર રસ્તાથી બાપુનગર થઈ અમરાઈવાડી મેટ્રો બ્રિજ સુધી – 42.90 કરોડ, વાસણા APMC માર્કેટથી ફતેહવાડી કેનાલ – રૂ. 17.04 કરોડ, તેમજ નિકોલ ક્રોસ રોડથી ઓઢવ પામ હોટલથી પંપીંગ સ્ટેશન સુધી રૂપિયા 19.24 કરોડ, વસ્ત્રાલ નિરાંત ક્રોસ રોડથી એક્સપ્રેસ વે સુધી – 58.34 કરોડ, અને મણીનગર આવકાર હોલથી હીરાભાઈ ટાવર અને ખોડીયાર ચાર રસ્તાથી સાબરમતી નદી સુધીના કામ માટે રૂપિયા 24.14 કરોડ, તથા પૂર્વમાં એક્સપ્રેસ વેથી હાથીજણ લાલ ગેબી આશ્રમ સુધી – રૂ.15.56 કરોડનો ખર્ચ કરાશે. આ માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.