અમદાવાદઃ રાજ્યમાં સિંચાઈ માટે સૌથી મોટો આધાર નર્મદા ડેમ પર છે. કેટલાક વિસ્તારોને તો નર્મદાના પાણી સિંચાઈ માટે મળતા નથી.અમદાવાદ જિલ્લાના વિરમગામ ,સાણંદ અને નળકાંઠા વિસ્તારના 40થી વધુ ગામો વર્ષો બાદ પણ સિંચાઈના પાણીથી વંચિત છે. અગાઉ આ ગામોમાં સિંચાઈ માટે ખેડુત આંદોલન થયુ હતુ. હજુ પણ આ પ્રશ્ન હલ ન થતા હવે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ખેડુતો સરકાર પાસે સિંચાઈ પાણી માટે ગુહાર લગાવી છે
વિરમગામ તાલુકાના કાજીપુરા અને થોરી મુબારક પાસે સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલ આવેલી છે. તેમજ મોટી થોરી ગામ પાસેની નર્મદાના મુખ્ય કેનાલ પાસે ઘોડા ફીડર કાચી કેનાલ આવેલી છે. આ કેનાલોમાં વર્ષોથી પાણી જ મળતુ નથી. સિંચાઇના પાણીના પ્રશ્નને લઇને વર્ષ 2017માં વિરમગામ નળકાંઠા સહિત 40થી વઘુ ગામના ખેડૂતોએ સાણંદ તાલુકાના ઉપરદળ ગામથી વિશાળ રેલી સાથે આંદોલન કર્યું હતું. જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જે તે વખતે ખેડૂતોની માગણીને લઇને સરકાર દ્વારા મૌખિક બાંહેધરી પણ આપવામાં આવી હતી, પરંતુ વર્ષો વીતવા છતાં આજ દિન સુધી વિરમગામ પાસેના મુખ્ય કેનાલ ઘોડા ફીડરમાં પાણી છોડવામાં આવ્યું નથી. ત્યારે હવે આ વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા વિરમગામ ,સાણંદ અને નળકાંઠા વિસ્તારના 40 થી વધુ ગામોમા સિંચાઇનુ પાણી આપવા ફરીવાર ખેડુતોએ માગ ઉઠાવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે,વિરમગામ નળકાંઠાનો સમગ્ર વિસ્તાર ખેતી આધારિત છે અને આ વિસ્તાર પછાત પણ છે. જો કે ખેતી આધારિત વિસ્તાર હોવા છતાં પણ વર્ષોથી આ વિસ્તારને સિંચાઇનું પાણી પહોંચ્યું નથી. સરકાર દ્વારા ખેડૂતોના હિતને લઈને અનેકવિધ યોજનાઓ અને જાહેરાતો કરવામાં આવતી હોય છે. પરંતુ વર્ષ 2017માં પાણી માગવા ગયેલા ખેડૂતોને સરકારે લાઠીઓ વરસાવી હતી. લાઠીઓ ખાવા છતા પણ હજુ આ ખેડૂતોને સિંચાઇના પાણીથી તો વંચિત જ રહેવુ પડ્યુ છે. વિરમગામ પાસે થોરી મુબારક પાસે આવેલી સૌરાષ્ટ્ર શાખાની નર્મદાની મુખ્ય કેનાલ પાસે જ ઘોડા ફીડર માટે પસાર થતી કાચી કેનાલ આવેલી છે. જો આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો વિરમગામ સાણંદ તાલુકાના સહિત નળકાંઠાના 40થી વઘુ ગામો થોરી મુબારક અસલગામ ,થુલેટા, જેતાપુર, કાયલા, વેકરીયા અણીયારી, રૂપાવટી ,ઝોલાપુરા, ઝેઝરા,મોટી કિશોલ સહિતના ગામોના ખેડુતોને સિંચાઇનુ પાણી મળી શકે. જેથી ખેડુતો દ્વારા ઘોડા ફીડર કેટલામાં પાણી છોડવાની ખેડુતોએ સરકાર પાસે ઉગ્ર માગ કરી રહ્યાં છે.