Site icon Revoi.in

સુરતમાં વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક 40 વર્ષ જુની ઝૂંપડપટ્ટી હટાવાતાં 576 પરિવારો બેઘર

Social Share

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાં રેલવે ટ્રેકની નજીક છેલ્લા 40 વર્ષથી ઝૂંપડપટ્ટી આવેલી છે. જેમાં અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 40 વર્ષ જૂની ઝૂંપડપટ્ટીનું ડિમોશન હાથ ધરાતા ભાગદોડ મચી ગઈ હતી. પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. ગરીબોના ઝૂંપડાઓ તોડી પાડતા 576 પરિવારો બેઘર બની ગયા હતા.

સુરત શહેરના વરાછા વિસ્તારને અડીને આવેલા રેલ્વે ટ્રેક નજીક અશોકનગરની ઝૂપડ પટ્ટી છેલ્લા 40 વર્ષથી છે, આજે  ઝુંપડપટ્ટીનું  ડિમોશન હાથ ધરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોડિશન કરાતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો અને નોટિસ કે માંપણી વિના ડિમોલિશન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આજે સવારથી જ મ્યુનિ.ની વરાછા ઝોનની ટીમો પહોંચી ગઈ હતી અને જીસીબીથી ડિમોલિશન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનના પગલે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. ઝુપડપટ્ટીના રહિશોએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી અમે અહીં રહીએ છીએ. આ ઝુપડપટ્ટી 50 વર્ષથી છે. અત્યાર સુધી મ્યુનિ. દ્વારા અમને કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. આજ સુધી આ ઝુપડપટ્ટીને બચાવવા ખૂબ જ મહેનત કરી છે. રેલવે ટ્રેકથી 15થી 17 ફૂટ સુધી રેલવેની જગ્યા હોવાના નિશાન કરવામાં આવેલા છે. આ નિશાનો જોયા વગર જ આ આખી ઝુપડપટ્ટી દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઝૂપડપટ્ટીમાં રહેતા એક વૃદ્ધ વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ ઝુપડપટ્ટી 50 વર્ષથી છે. જેમાં 576 ઘર છે. હું અહીં નાનેથી મોટો થયો છું. અત્યારથી પરિસ્થિતિ એવી છે અમને કોઈ ભાડે રૂમ પણ નથી આપતું. આ વિસ્તારમાં હાલ ડિમોલિશનના કારણે કેટલાક લોકો રેલવે ટ્રેક પર પોતાના સામાન રાખીને બેઠાં છે. અત્યારે એવી ભયાનક પરિસ્થિતિ છે કે કોઈ અમારું સાંભળવા તૈયાર નથી.  સરકારને એટલું નિવેદન છે કે, થોડો સપોર્ટ મળવો જોઈએ. અમે પણ ભારતના નાગરિક છીએ. અમને પણ જીવવાનો અધિકાર છે. એક અપીલ છે કે, આટલા વર્ષો પછી અમે ક્યાં જઈશું. બેઘર થઈ ગયા છે. ન ઘરનું ઠેકાણું છે કે રહેવાનું. હાલ આ પરિસ્થિતિ વચ્ચે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.