ભૂજઃ કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગમાં 400થી વધુ કર્મચારીઓ કરાર આધારિત છે. આવા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે. જેના કારણે કર્મચારીઓની હાલત કફોડી બની છે. એજન્સી દ્વારા કરાર આધારિત કર્મચારીઓને નિયમિત પગાર કરવામાં આવતો નથી. આ અંગે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરતા તેમણે એકાદ સપ્તાહમાં પગાર થઈ જશે એવી હૈયાધારણ આપી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગમાં 400 જેટલા કોન્ટ્રાકટબેઝના કર્મચારીઓ ફરજ બજાવે છે, જેમાં ફાર્માસિસ્ટ,મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, સ્ટાફ નર્સ, ડ્રાઇવર સહિતનાનો સમાવેશ થાય છે કરાર આધારિત કર્મચારીઓને મે અને જૂન મહિનાનો પગાર હજી સુધી ચૂકવાયો નથી. જેના કારણે કર્મચારીઓને ઘરનું ગુજરાન ચલાવવું કઠિન બન્યું છે..જિલ્લા બહારના ફરજ બજાવતા કર્મચારીઓની હાલત તો પગાર વિના કફોડી બની ગઈ છે. આ બાબતે કર્મચારીઓએ એજન્સીને જાણ કરતા તેઓએ જિલ્લામાંથી પગાર અટક્યો હોવાનું જણાવ્યું હતું. આ પગારમાં કર્મચારીઓને વધારો પણ ચૂકવવાનો હતો.બે મહિનાથી પગાર ન મળતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.
આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે,કર્મચારીઓના પગારમાં વધારો આવતા હિસાબી ચૂકવણા બાબતે સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી હતી.જેના આધારે જિલ્લા કમિટી દ્વારા ફાઈલની ચકાસણી કરી મંજૂરી આપવામાં આવી છે. અઠવાડિયામાં પગાર થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી કર્મચારીઓના પગાર ત્વરિત થાય તે પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્રન્ટ લાઇન વોરિયર્સ ગણાતાં આરોગ્ય કર્મચારીઓને અવાર-નવાર મોડેથી પગાર આપવામાં આવે છે, જેના કારણે પારિવારિક ખર્ચા તેમજ સંતાનોની ફી ભરવામાં પણ મુશ્કેલી થાય છે.