રાજકોટઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ત્રણ દિવસથી તો 43થી 44 ડિગ્રી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીને લીધે એસી, પંખા ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. તેના લીધે વીજપુરવઠાની ડિમાન્ડ વધી છે. છેલ્લા ત્રણ દિવસમાં જ વીજ વપરાશમાં 400 મેગાવોટનો વધારો થયો છે.
પીજીવીસીએલના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત તા.8મીએ 5398 મેગાવોટ વીજળીની ડિમાન્ડ હતી તેની સામે તા.11 એટલે કે શુક્રવારે તે ડિમાન્ડ વધીને 5797એ પહોંચી ગઈ હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં જ સૌરાષ્ટ્ર-કચ્છમાં 400 મેગાવોટ જેટલી વીજળીની ડિમાન્ડ વધી છે. ગરમીનો પારો ઊંચકાતા ઘર, ઓફિસ, દુકાન વગેરેમાં એરકન્ડિશન, પંખા, કુલર સતત ચાલુ રહેતા હોય છે ત્યારે વીજ ડિમાન્ડ વધે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીવાડીમાં સિંચાઈમાં વીજ વપરાશ થતો હોય છે.
પીજીવીસીએલના સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગરમીને લીધે વીજ વપરાશમાં વધારો થતાં વીજ લાઈન લોસમાં પણ વધારો થઈ રહ્યો છે. એટલે કે, વીજચોરી વધી ગઈ છે. એટલે જુદી-જુદી ટુકડીઓ બનાવી વીજચોરો સામે ઝંબેશ શરૂ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં 40 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના મિલપરા, આજી-1 અને મોરબી રોડ સબ ડિવિઝન હેઠળના સ્લમ ક્વાર્ટર, ગીતા મંદિર મેઈન રોડ, મહાકાળી ચોક સહિતના વિસ્તારોમાં વીજટુકડી ત્રાટકી હતી અને 117 કનેકશનોમાં ચેકિંગ દરમિયાન ગેરરીતિ જણાતા રૂ.18.03 લાખનો દંડ ફટકારાયો હતો. સૌરાષ્ટ્ર ના ગામડાંમાં વીજચોરીનું વધુ દૂષણ છે. વીજ માગ વધતા સાથે વીજચોરીનું પ્રમાણ વધતું જાય છે.