રાજકોટઃ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા હતા. અને નિકાસબંધી ઉઠાવી લેવાની માગ સાથે ખેડુતોએ વિરોધ-પ્રદર્શનો પણ કર્યા હતા. મોટાભાગના ખેડુતોએ ના છૂટકે ડુંગળીનું વેચાણ કરી દીધુ હતું. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવતા ડૂંગળીના ભાવમાં વધારો થયો છે. એટલે જે ખેડુતોના ઘરમાં ડુંગળીને જથ્થો પડ્યો છે. એવા ખંડુતોને લાભ મળશે. ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના પ્રતિમણ રૂપિયા 200-250ના ભાવ વધીને 400થી 450 રૂપિયા ભાવ બોલાતાં ખેડુતોને રાહત થઈ છે.
કેન્દ્ર સરકારે નિકાસબંધી ઉઠાવી લેતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. નિકાસ પ્રતિબંધ હટી જતા આગામી દિવસોમાં ડુંગળીના ભાવ વધુ ઊંચકાય તેવી શક્યતા છે. હાલ ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રતિમણ રૂપિયા 200-250ને બદલે 400થી 450 રૂપિયા ભાવ બોલાયા છે. ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક વધી છે. સફેદ ડુંગળીની આવક 12,856 કટા જોવા મળી છે. હરાજીમાં સફેદ ડુંગળીનો ભાવ રૂ. 201થી 286 બોલાયા હતા. જ્યારે લાલ ડુંગળીના 10 હજાર કટાની આવક થઈ છે. લાલ ડુંગળીના હરાજીમાં ભાવ રૂપિયા રૂ. 81થી 436 સુધીના જોવા મળ્યા છે. નિકાસ બંધી હતી ત્યારે લાલ ડુંગળીના ભાવ 271 સુધીના બોલાતા હતા. નિકાસ બંધી હટાવતા જ ભાવમાં આશરે રૂ. 140 રૂપિયા જેવો વધારો જોવા મળ્યો છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના સૂત્રોએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસબંધી ઉઠાવી લેતા ખેડૂતોને રાહત થઈ છે. જે ડુંગળી પ્રતિમણે રૂપિયા 200થી 250ના ભાવે વેચાતી હતી. તે રૂપિયા 400થી 450 રૂપિયા પ્રતિમણે વેચાય રહી છે. આગામી દિવસોમાં માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક વધવાની સંભાવના છે.
ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. તો બીજી તરફ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. તેમજ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસને ફરી મંજૂરી આપવામાં આવી છે. જેથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોને લાભ થશે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બાંગ્લાદેશમાં 50 હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મનસુખ માંડવિયાની હાજરીમાં મળેલી મનિસ્ટર્ઝ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.