Site icon Revoi.in

ગુજરાતમાં 100થી વધુ પેઢીઓમાં સર્ચ દરમિયાન 4000 કરોડનું જીએસટીનું કૌભાંડ પકડાયું

Social Share

અમદાવાદઃ કેટલાક લોકો કરચોરી કરવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. જેમાં સ્ટેટ જીએસટી વિભાગે પોલીસ સાથે મળીને બોગસ બિલિંગ આચરનારાઓ સામે ફરી એકવાર અભિયાન હાથ ધરીને   સુરત, અમદાવાદ, ભાવનગર, આણંદ. રાજકોટ ખાતે 100થી વધુ પેઢીઓમાં ચકાસણી કરી રૂપિયા ચાર હજાર કરોડથી વધુના બોગસ ટ્રાન્ઝેકશન શોધી કાઢયા હતા. કૌભાંડીઓએ આ વખતે પણ નવી જ મોડસ ઓપરેન્ડીના આધારે સમગ્ર કાંડ પાર પાડયું હતું. આધાર કાર્ડ સેન્ટર પરથી જરૂરિયાતમંદ લોકોના આધારમાં મોબાઇલ નંબર બદલીને તેમના નામે પેઢીઓ ઊભી કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓની તપાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે માત્ર આઠ મહિનામાં 1500 આધારના મોબાઇલ નંબર બદલાવામાં આવ્યા છે અને તેના આધારે 470 જીએસટી રજિસ્ટ્રેશન મેળવવામાં આવ્યા હતા. જોકે હજુ સમગ્ર કાંડમાં  કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અધિકારીઓના કહેવા મુજબ  શકમંદોની ઓળખ થઈ છે અને ટૂંક જ સમયમાં એફઆઇઆર દાખલ કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે કૌભાંડીઓએ સીધા આધાર કાર્ડ સેન્ટર પરથી જ મોબાઇલ નંબર બદલી નાંખ્યા હતા. જેથી જે તે માહિતી આવે તે કૌભાંડીના નંબર પર જ આવે. સુરત ખાતેની ચકાસણીમાં સંડોવાયેલાં વ્યક્તિના મોબાઇલમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ, જેવા ડુપ્લીકેટ દસ્તાવેજો એપીકે ફાઇલથી એન્ડ્રોઇડ એપ દ્વારા બનાવાતા હોવાનું સામે આવ્યું હતું. વધુમાં ડમી નામે બનાવટી આઇડી બનાવી લોકોના દસ્તાવેજો લોન અપાવવાના બહાના હેઠળ મેળવતા હતા. જેમના પાન અને આધારનો ઉપયોગ થયો તેમના સ્ટેટમેન્ટ લેવાતા એકવાત સપાટી પર આવી હતી કે કોઈને જાણ સુદ્ધાં નહતી કે તેમના આધારનો ઉપયોગ કરાયો છે. સરકારી સહાયના નામે લોકોના ડોકયુમેન્ટ મેળવાયા હતા. અધિકારીઓએ આવા આધાર કેન્દ્રો પર તપાસ કરીને લેપટોપ અને ડિજિટલ ડિવાઇસ જપ્ત કરી હતી. જેમાં પહેલાં તબક્કામાં કુલ 470 અને એક અંદાજ મુજબ સમગ્ર ભારતમાં કુલ 2700 બોગસ નંબર મેળવાયા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં કુલ 112 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા સુરતની 75 પેઢીમાંથી 61 પેઢીઓ બોગસ નીકળી હતી. જેમાં 2770 કરોડનું ટ્રાન્ઝેકશન કરી રૂપિયા 84 કરોડની વેરાશાખ મેળવાઈ હતી. અમદાવાદમાં 24 પેઢીમાંથી 13 બોગસ નિકળી હતી જેમાં 1350 કરોડનું ટર્નઓવર કરી રૂપિયા 53 કરોડની આઇટીસી મેળવવામાં આવી હતી.