- હાલ નોકરી કરી રહેલા શિક્ષકોને વતનનો લાભ મળી શકશે,
- સળંગ નોકરી અને પગારનો લાભ યથાવત રહેશે,
ગાંધીનગરઃ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને પોતાના વતનમાં અથવા તો પતિ-પત્નીને એક જ સ્થળે કે નજીકની શાળામાં નોકરી કરવાની તક મળતી ન હતી. કારણ કે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોને બદલીનો લાભ મળતો નહતો. હવે રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાના જ 4000 જુના શિક્ષકો કે હાલ ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરતા હોય એવા અનુભવી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુના શિક્ષકોની ભરતીમાં પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો ઓનલાઇન અરજી કરી શકશે. જોકે જૂના શિક્ષકોને સળંગ નોકરી તેમજ પગારનો લાભ યથાવત રહેશે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે કવાયત હાથ ધરી છે. તેમાં રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ કેટલી ખાલી છે. તેની વિગતો રાજ્યભરના તમામ જિલ્લાઓના શિક્ષણાધિકારીઓ પાસેથી વિગતો મંગાવવામાં આવી છે. શિક્ષકોની ખાલી જગ્યાની માહિતીના આધારે શિક્ષણ વિભાગ ભરતીની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજે 4000 જુના શિક્ષકોની ભરતીની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના માટે પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો જુના શિક્ષકોની ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકશે તેવી જોગવાઇ કરવામાં આવી છે. જોકે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રથમ વખત જુના શિક્ષકોની ભરતીની પ્રક્રિયા હાથ ધરી છે. આથી જે શિક્ષકો વતનથી દુર કે પતિ-પત્નિ સાથે નોકરી કરતા નથી તેવા શિક્ષકો માટે જુના શિક્ષકોની ભરતીની કામગીરી ઉત્તમ બની રહેશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જુના શિક્ષકોની ભરતીમાં શિક્ષકોને સળંગ સેવાનો લાભ આપવામાં આવશે. તેની સાથે સાથે પગાર પણ સળંગ ગણવામાં આવશે. આથી જુના શિક્ષકોને સળંગ નોકરી કે પગારમાં કોઇ જ અન્યાય થશે નહી. જેને પરિણામે શિક્ષકોની સિનિયોરીટી પણ જળવાઇ રહેશે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જુના શિક્ષકોની ભરતીથી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને અનુભવી શિક્ષકો મળી રહેવાથી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળવાથી શાળાનો શૈક્ષણિક વિકાસ થવાથી તેની સીધી અસર વિદ્યાર્થીઓની પ્રવેશકાર્ય ઉપર જોવા મળશે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને વતનમાં કે પતિ-પત્ની એક જ સ્થળે કે નજીકની શાળામાં નોકરી કરવાની ઇચ્છા પૂર્ણ થશે. કેમ કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 4000 જુના શિક્ષકોની ભરતીની કામગીરી હાથ ધરવામાં આવી છે.